અમદાવાદ,ગુરુવાર,6 જુન,2024
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.તંત્ર દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલતા
આનંદમેળાને બંધ કરાવ્યો હતો. આનંદમેળાના આયોજક દ્વારા હાઈકોર્ટમાં કરવામા આવેલી
અરજીની સુનાવણી બાકી હોવા છતાં ફરીથી આનંદમેળો શરુ કરી દેતા મ્યુનિ.તંત્રે સ્થળ
ઉપર સીલ મારી આનંદમેળો બંધ કરાવવાની ફરજ પડી હતી.
રાજકોટ ખાતે બનેલા અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા
રાજયમાં તમામ ગેમઝોન, આનંદમેળા
બંધ કરાવવા બંધ કરાવવાનો આદેશ આપ્યો હતો.આ આદેશના પગલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે
એન.આઈ.ડી.પાસે ચાલતા આનંદમેળાને પણ રિવરફ્રન્ટ તંત્ર દ્વારા બંધ કરાવવામા આવ્યો
હતો.ગુજરાત હાઈકોર્ટમાં આયોજક તરફથી આનંદમેળા માટે જરુરી તમામ મંજુરી લેવામા આવી
હોવાછતાં કયા કારણથી આનંદમેળો બંધ કરાવવામા આવ્યો તે સંદર્ભમા અરજી કરી આનંદમેળો
ફરી શરુ કરવા દાદ માંગવામા આવી હતી.જેની સુનાવણી હજુ બાકી છે.દરમિયાન સંચાલક
દ્વારા બુધવારે ફરીથી આનંદમેળો શરુ કરવામા આવતા મ્યુનિ.તંત્રને આ બાબતની જાણ થતા
ગુરુવારે સ્થળ ઉપર સીલ મારી આનંદમેળો બંધ કરાવી દીધો હતો.આ આનંદમેળો વકીલ અહેમદ
નામના સંચાલક દ્વારા ચલાવવામા આવતો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.