જૂનાગઢ મેંદરડા રોડ પર સોનારડી નજીક જીવલેણ બનાવ : ભેંસાણના રાણપુરનો યુવાન અને પિતરાઈ રાતે જામકાથી પરત આવતા હતા ત્યારે અકસ્માત થયો : કારમાં બેઠેલા 2 યુવકનાં મૃત્યુ
જૂનાગઢ, : જૂનાગઢ મેંદરડા બાયપાસ રોડ પર સોનારડી નજીક ગત મોડી રાત્રીના ટ્રિપલ સવારી બાઈકને પૂરઝડપે જતી કારના ચાલકે હડફેટે લીધું હતું. બાદમાં આ કાર પણ પલ્ટી મારી જતા કારમાં સવાર બે યુવાનના મોત થયા હતા. જ્યારે બે યુવતી તેમજ બાઈક સવાર ત્રણ યુવાનોને ઇજા થતાં ૧૦૮માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ ભેસાણ તાલુકાના રાણપુરમાં રહેતા રાકેશભાઈ કાંતિભાઈ સિધ્ધપુરા અને તેના ભાઈ સુભાષભાઈ, તેના પિતરાઈ ભાઈ વિજયભાઈ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર દવા લેવા આવ્યા હતા. ગઈકાલે રાત્રે તેઓ જૂનાગઢ રોકાયા હતા. આ દરમ્યાન રાત્રીના સમયે રાકેશ, તેનો પિતરાઈ ભાઈ વિજય અને મોટાબાપાનો દિકરો ભરત ગોલા ખાવા જામકા ગયા હતા. તેઓ દોઢેક વાગ્યે ટ્રિપલ સવારી બાઈકમાં જામકાથી બગડું થઈ જૂનાગઢ તરફ આવતા હતા ત્યારે દોઢેક વાગ્યે આસપાસ સોનારડી ગામ નજીક પહોંચ્યા ત્યારે સામેથી પુરઝડપે આવેલી કારના ચાલકે બાઈકને હડફેટે લીધુ હતું. જેમાં ત્રણેય યુવાનો ફંગોળાઈ ગયા હતા. બાઈકને હડફેટે લીધા બાદ કાર પણ પલ્ટી ખાઈ પુલ નજીક ઉતરી ગઈ હતી. રાકેશભાઈ તથા તેના પિતરાઈ ભાઈને ઈજા થઈ હતી. જ્યારે કારમાં સવાર નવાજ હારૂન સુમરા (ઉ.વ.19) અને હિરેન રાજેશભાઈ વાણવી (ઉ.વ.17), અમીત રમેશ ચૌહાણ (ઉ.વ.23), ગૌતમ કિશોર વડીયાતર, આરતીબેન હિતેશભાઈ કેસુર (ઉ.વ.19) અને લક્ષ્મીબેન વિષ્ણુદાસ દેસાણી (ઉ.વ. 19)ને ઈજા થતા 108માં જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હિરેન રાજેશ વાણવી અને નવાજ હારૂન સુમરાને તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગૌતમ કિશોર અને અમીત ચૌહાણને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે રિફર કરાયા હતા. રાકેશ સિધ્ધપુરા તથા તેના પિતરાઈ ભાઈ ભરતભાઈ અને વિજયભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે રાકેશ સિધ્ધપુરાએ ફરિયાદ કરતા વંથલી પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.