Lift Accident In Surat: સુરતના ભટાર વિસ્તારમાં આવેલા અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 12 વર્ષીય કિશોરનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું. આ કિશોર વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા ઓડિશાથી પિતા પાસે સુરત આવ્યો હતો. વ્હાલસોયા બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
કિશોર સંબંધીના ઘરે આવ્યો હતો
મળતી માહિતી અનુસાર,, મૂળ ઓડિશાના વતની અને હાલ સુરતના વેડરોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચાખાતામાં કામ છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ (12 વર્ષ) ધો. 7માં અભ્યાસ કરતો હતો. મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે ઓડિશાથી સુરત પિતા પાસે આવ્યો હતો. રાકેશ ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા સંબંધીના ઘરે ગયો હતો. આ દરમિયાન રાકેશ એપાર્ટમેન્ટની લિફ્ટમાં સાતમાં માળે જઈ રહ્યો હતો. ત્યારે લિફ્ટમાં તેનુ માથું ફસાઈ ગયું હતું. તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જો કે, આ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.