અમદાવાદ, બુધવાર
પતિ-પત્ની ઓર વો ફિલ્મ જેવો કિસ્સો નારોલમાં પ્રકાશમાં આવ્યો છે. ૨૪ વર્ષીય મહિલાને પતિ સાથે તકરાર થતાં તે પિયરમાં રહેવા આવી ગઇ હતી. બીજીતરફ મહિલા વિસ્તારના યુવકના પ્રેમમાં પડી હતી જેની જાણ પતિને થતાં તે બીજી મહિલાને લઇને ભાગી ગયો હતો. જ્યારે પ્રેમીની સગાઇ માટે ઘરમાં તકરાર થતી હતી તેવા સંજોગોમાં રામોલ વિસ્તારમાં પ્રેમી અને પ્રેમિકા સાથે બેઠેલા હતા આ સમયે યુવકની માતા ભાઇ અને બહેન આવી ગયા હતા અને યુવકની માતાએ પ્રેમિકાએ વાળ પકડીને નીચે પાડીને મારી હતી જ્યારે પ્રેમીએ પણ પરિવારને સાથ આપ્યો હતો તેમજ બહેને માથામાં પથ્થર મારતાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે પ્રેમી સહિત ચાર લોકોે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમીની સગાઇ બાબતે ઘરમાં તકરાર થતી હતી, પ્રેમીના માતા,ભાઇ, બહેનને પ્રેમિકા ઉપર હુમલો કરતા સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડી
નારોલ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષની મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. પતિ-પત્ની વચ્ચે અણ બનાવ બનતાં મહિલા દોઢ વર્ષથી પિયરમાં આશરો લઇ રહી હતી દરમિયાન વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ થતાં બાર મહિનાથી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો. આ પ્રેમ પ્રકરણની મહિલાના પતિને જાણ થતાં તેણે પત્નીને પડતી મૂકીને બીજી મહિલા સાથે ભાગી ગયો હતો. ગઇકાલે રાતે ૧૦ વાગે પ્રેમી અને પ્રેમિકા લાંભા નજીક બેઠા હતા.
આ સમયે યુવકની માતા અને તેની બહેન તથા ભાઇ ત્યાં આવી પહોચ્યા હતા અને ફરિયાદી મહિલા સાથે તકરાર કરીને મારા મારી કરી હતી જેમાં યુવકની માતાએ મહિલાને વાળ પકડીને નીચે પાડીને મારી હતી અને તેની બહેનને માથામાં પથ્થર માર્યો હતો એટલું જ નહી પ્રેમી પણ પરિવારજનો સાથ આપીને ગાળો બોલવા લાગ્યો હતો. મહિલાને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે નારોલ પોલીસે પ્રેમી અને તેની માતા સહિત પરિવારના ચાર લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણના કારણે યુવકની સગાઇ માટે ઘરમાં તકરાર ચાલતી હતી માટે પરિવારજનો આ કૃત્ય આચર્યું હતું.