Violence in West Bengal: પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી પરિણામ બાદ કેટલીક જગ્યાએ હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે દુર્ગાપુર અને વર્ધમાનમાં તૃણમૂલ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર, ભાજપનો આરોપ છે કે વર્ધમાનમાં ભાજપ જિલ્લા કાર્યાલય પર મોટી સંખ્યામાં તૃણમૂલના કાર્યકર્તાઓએ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો હતો.
ભાજપના ત્રણ કાર્યકરો ઘાયલ થયા
અહેવાલો અનુસાર, ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કરવાની સાથે બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ધટનામાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓ ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.
ધારાસભ્યની ઓફિસ પર પણ હુમલો કર્યો હતો
આજે (છઠ્ઠી જૂન) સવારે દુર્ગાપુરમાં ભાજપના ધારાસભ્યની પાર્ટી ઓફિસમાં તોડફોડના સમાચારો સામે આવ્યા હતા. દુર્ગાપુર ઇસ્પાત નગરમાં આર્ટિલરી રોડ પર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી. દુર્ગાપુર પશ્ચિમના ધારાસભ્ય લક્ષ્મણ ઘરુઈએ આરોપ લગાવ્યો કે, ‘ચૂંટણી જીત્યા બાદ તૃણમૂલ સમર્થિત લોકોએ મારા કાર્યકર્તાઓને ત્રાસ આપી રહ્યા છે. મારી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને અનેક મૂલ્યવાન દસ્તાવેજો લૂંટી લેવામાં આવ્યા હતા.’
તૃણમૂલે તમામ આરોપ ફગાવ્યા
ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપને તૃણમૂલ પક્ષ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. પૂર્વ જિલ્લા અધ્યક્ષ ઉત્તમ મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘ભાજપમાં ઉપરથી નીચે સુધીના તમામ નેતાઓ જૂથવાદનો શિકાર છે. ભાજપ દ્વારા લાવવામાં આવેલા બહારના લોકો દ્વારા આ હુમલાઓ કરવામાં આવ્યા છે.