Sikandar: સલમાન ખાનની ફિલ્મ સિકંદર ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે, આ ફિલ્મમાં સલમાન ખાન સાથે રશ્મિકા મંદન્ના પણ જોવા મળશે. હવે એવા અહેવાલ મળી રહ્યાં છે કે, આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કરીના કપૂરની એન્ટ્રી પણ થઇ શકે છે.
આ ફિલ્મના નિર્દેશક એ આર મુરુગાદાસ છે. અકીરાની રિલીઝના આઠ વર્ષ બાદ મુરુગાદાસ સિકંદર દ્વારા હિન્દી સિનેમામાં પરત ફરી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં તે નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે કામ કરી રહ્યો છે, જે ‘કિક’, ‘જુડવા’ અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા છે.
સિકંદરમાં કરીના કપૂર જોવા મળશે
કરીનાએ હાલમાં જ બોક્સ ઓફિસ પર એક મોટી હિટ ફિલ્મ ‘ક્રુ’ આપી છે અને ‘જાને જાન’ સાથે ચાહકોની ઘણી પ્રશંસા પણ મેળવી છે. બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડના સૂત્રોનું માનીએ તો, ફિલ્મ સિકંદરમાં સલમાન ખાન સાથે અભિનય કરવા માટે કરિના કપૂરનું નામ સૌથી પહેલા છે.
સિકંદર ફિલ્મ અંગે સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, કરીના કપૂરે સ્ક્રિપ્ટ સાંભળી છે અને ટૂંક સમયમાં જ વાત આગળ વધશે. કરીના પાસે શૂટિંગ માટે ડેટ્સ પણ છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. મુરુગાદાસ આ ફિલ્મમાં એક્શન સિક્વન્સને પ્રાથમિકતા આપી રહ્યા છે, જ્યારે તેના માટે કોરિયોગ્રાફી ચાલી રહી છે.ફિલ્મ માટે સલમાન ખાન નિયમિત વર્કઆઉટ પણ કરી રહ્યો છે.
સલમાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા
આ ફિલ્મનું શૂટિંગ જૂનમાં સલમાન ખાનની કો-સ્ટાર રશ્મિકા મંદન્ના સાથે શરૂ થવા જઈ રહ્યું છે. મુંબઈ અને હૈદરાબાદમાં કેટલાક મહત્વના દ્રશ્યો શૂટ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનને લઈને ચાલી રહેલા ફાયરિંગના મુદ્દાને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શુટીંગ લોકેશન જરૂર જણાય ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવશે.