વેપારીઓ પાસેથી 4.46 કરોડના હીરા ક્રેડિટ પર લીધા
આરોપીઓએ હીરા બારોબાર વેચી નાસી છૂટ્યા
ફરાર થયેલા બંન્નેમાંથી એક ઈસમ ઝડપાયો
સુરતમાં વેપારીઓ પાસેથી કરોડોના હીરાની ઠગાઇ કરવામાં આવી છે. જેમાં વેપારીઓ પાસેથી રૂપિયા 4.46 કરોડના હીરા ક્રેડિટ પર લીધા હતા. તેમાં આરોપીઓએ હીરા બારોબાર વેચી નાસી છૂટ્યા છે. જેમાં ફરાર થયેલા બંન્નેમાંથી એક ઈસમ ઝડપાયો છે. પોલીસે આરોપી વિપુલ બોધરાની ધરપકડ કરી આરોપી વિજયને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
ફરાર થયેલા બંનેમાંથી એક ઈસમ ઝડપાયો
શહેરના વરાછા વિસ્તારમાં કરોડોના હીરા બહાર વેચી બે ઈસમ ફરાર થયા હતા. જેમાંથી ફરાર થયેલા બંનેમાંથી એક ઈસમ ઝડપાયો છે. 10 જેટલા વેપારીઓ પાસેથી 4.46 કરોડ ના હીરા ક્રેડિટ પર લીધા હતા. અલગ અલગ રીતે બહાર હીરા વેચી બને નાસી છૂટ્યા હતા. તેમાં વિજય અને વિપુલ બંને ઈસમ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારે પોલીસે વિપુલ બોધરાની ધરપકડ કરી છે. તેમજ વિજયને શોધવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. બીજા એક કેસમાં સુરતના મહિધરપુરા હીરા બજારમાં આવેલા દાળિયા શેરીમાં આવેલ બલરામ ઇમ્પેકસમાંથી દલાલે વેચાણ કરવા માટે લીધેલા રૂપિયા 1.09 કરોડનો હીરો બારોબાર સગેવગે કરી છેતરપિંડી કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રવીણભાઈ મનજીભાઈ ગોટી રાસ્કો બિલ્ડિંગ ડભોલી ચાર રસ્તા વેડરોડ પર રહે છે. તે મહિધરપુરા દાળિયા શેરીમાં આવેલા નિધિ સેફની બાજુમાં “બલરામ ઇમ્પેક્સ” નામની હીરાની પેઢી ધરાવે છે.
મહિધરપુરા પોલીસે હીરા દલાલ અલ્પેશ મિયાણીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી
ગત માર્ચ મહિનામાં સિંગણપોરમાં વિજયરાજ સોસાયટીમાં રહેતા હીરા દલાલ અલ્પેશ વલ્લભભાઈ મિયાણીએ બજારમાં સારા ભાવે હીરાનો માલ વેચી આપવાનું કહી 941.96 કેરેટના કિંમત રૂપિયા 1,09,40,735ની મતાના નેચરલ હીરા વેપારીઓને બતાવવાના બહાને લઈ ગયા બાદ તેના રૂપિયા કે હીરા પરત કર્યા ન હતા. આ અંગે પ્રવીણભાઈ ગોટીએ વારંવાર હીરા બાબતે અલ્પેશ મિયાણીને પૂછતા શરૂઆતમાં તેણે હીરાનો માલ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અલ્પેશે કોઈ સંતોષકારક જવાબ નહીં આપી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને પલાયન થઈ ગયો હતો. આ અંગે પ્રવીણભાઈ ગોટીએ મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હીરાદલાલ અલ્પેશ મિયાણીની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં તો મહિધરપુરા પોલીસે હીરા દલાલ અલ્પેશ મિયાણીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે, પણ જે રીતે માહિતી મળી છે કે આ હીરા દલાલે વરાછા હીરા બજારમાં અન્ય કેટલાક વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે.