ક્લાસ- 1ના બે અધિકારીઓ સામે તપાસ પૂર્ણ
અપ્રમાણસર મિલકત અંગે ACBની તપાસ પૂર્ણ થઇ
અન્ય 8 અધિકારીઓ સામે ચાલી રહી છે તપાસ
રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ક્લાસ- 1ના બે અધિકારીઓ સામે તપાસ પૂર્ણ થઇ છે. તેમાં અપ્રમાણસર મિલકત અંગે ACBની તપાસ પૂર્ણ થતા મોટા ખુલાસા સામે આવી શકે છે. અન્ય 8 અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે. જેમાં અપ્રમાણસર મિલકત અંગે ACB ફરિયાદ નોંધી શકે છે.
રાજકોટના બે પૂર્વ PI સામે પણ તપાસ શરૂ કરાઇ
રાજકોટના બે પૂર્વ PI સામે પણ તપાસ શરૂ કરાઇ છે. બે ક્લાસ 1 અધિકારીની અપ્રમાણસર મિલ્કતની ACBએ તપાસ પૂર્ણ કરી છે. ટીપીઓ એમ.ડી.સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેરની મિલકતોની એસીબીએ તપાસ કરી છે. તેમજ અન્ય 8 જેટલા અધિકારીઓની મિલકતો પણ એસીબી તપાસ કરી રહી છે. જેમાં આવતીકાલ સુધીમાં એસીબી પહેલી ફરિયાદ નોંધી શકે છે. તેમાં અપ્રમાણસર મિલકત અંગે મોટા ખુલાસા સામે આવી શકે છે.
ભ્રષ્ટાચાર અને બેદરકારીના સતત બોલતા પૂરાવા સામે આવી રહ્યા છે
TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ભ્રષ્ટાચાર અને બેદરકારીના સતત બોલતા પૂરાવા સામે આવી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ સંચાલકો અને કેટલાક સરકારી અધિકારીઓની મિલીભગતથી ગેમઝોન શરૂ થયો ત્યારથી લઈ અગ્નિકાંડની ઘટના બની ત્યાં સુધી કાયદા અને નિયમોનું જે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેની સતત પોલ ખુલી રહી છે. ત્યારે હવે TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનના ડિમોલેશનને અટકાવવા માટે રૂ. 1.50 લાખનો વહીવટ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
કોર્પોરેટ દ્વારા રૂ. 1.50 લાખનો વહીવટ કરવામાં આવ્યો
અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે, ગેમઝોનના ડિમોલેશનને અટકાવવા માટે કોર્પોરેટ દ્વારા રૂ. 1.50 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો. જો કે, આ હચમચાવે એવી વિગત સામે આવતા પોલીસ જવાબદાર કોર્પોરેટર સામે કાર્યવાહી કરશે કે કેમ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.