પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવનો ભવ્ય વિજય થયો છે. ત્યારે આજે ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજપાલસિંહ જાદવનો સત્કાર અભિવાદન સમારંભ યોજાયો છે. આ કાર્યક્રમમાં રાજપાલસિંહ જાદવનું સન્માન કરી ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ તકે રાજપાલસિંહ જાદવે સંદેશ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી હતી. રાજપાલસિંહ જાદવે જીતનો શ્રેય કાર્યકર્તાઓેને આપ્યો હતો. વધુમાં સાંસદ રાજપાલસિંહ જાદવે કહ્યું કે, આ જીત પંચમહાલ અને મહીસાગર જિલ્લાના સંગઠન અને કાર્યકર્તાની જીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનકલ્યાણકારી યોજનાઓ ગામ સુધી અને જન જન સુધી પહોંચી છે તેનું આ પરિણામ છે. પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં શિક્ષણ, યુવા અને ખેડૂતોને લગતા વિકાસલક્ષી કામોને પહેલા પ્રાધાન્ય આપીશ.
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવનો 7,94,579 મતથી ભવ્ય વિજય થયો છે. જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 2,85,237 મત મળ્યા છે. આમ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને 5,09,342 મતથી હરાવ્યા છે. રાજપાલસિંહ જાદવે પંચમહાલ સીટ પર જીત મેળવી ભાજપનો દબદબો યથાવત રાખ્યો છે. પંચમહાલ સીટ પર સતત ચૌથી વખત ભાજપનો ભગવો લેહરાયો છે.