અમદાવાદ,મંગળવાર
ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા યુવકને તેના પરિવાર સાથે અમેરિકામાં
સેટલ કરવાની લાલચ આપીને વીઝા એજન્ટ તરીકે કામ કરતા ચાર શખ્સો છેતરપિંડી આચરીને ચાર
મહિના સુધી અલગ અલગ બેંગકોક, થાઇલેન્ડ અને મોરક્કો
જેવા દેશોમાં ફેરવીેને ૪૦ લાખ જેટલી રકમ લઇ લીધી હતી. એજન્ટો દ્વારા બનાવટી વિઝા અને એર ટિકિટ મોકલી હતી. જે બાદ થાઇલેન્ડમાં ફસાયેલો પરિવાર ભારે જહેમત બાદ
ભારત પરત આવ્યો હતો. આ અંગે ઘાટલોડિયા પોલીસે
ચાર એજન્ટો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા શક્તિવિજય સોસાયટીમાં રહેતા
જીતેન્દ્રભાઇ પરમાર ગત ફેબુ્રઆરી-૨૦૨૩માં આશ્રમ
રોડ પર આવેલી એક લોજીસ્ટીક કંપનીમાં નોકરી માટે જોડાયા હતા. જીતેન્દ્રભાઇને અમેરિકા
નોકરી માટે જવાની ઇચ્છા હોવાથી તેમના એક સહકર્મચારીએ મહેસાણા જિલ્લાના જોરંરણ ગામમાં
રહેતા ભાવેશ પટેલનો સંપર્ક કરાવી આપ્યો હતો. ભાવેશે દાવો કર્યો હતો કે તેણે અનેક લોકોને
અમેરિકામાં મોકલીને ગ્રીન કાર્ડ અપાવ્યા છે. જે બાદ તે જીતેન્દ્રભાઇને લઇને ઘાટલોડીયામાં
આવેલા સત્યા-૨ કોમ્પ્લેક્સ સ્થિત બોર્ન ટુ ફ્લાય નામની ઓફિસ પર લઇને આવ્યો હતો. આ ઓફિસ
પર તેણે મિહિર પટેલ (રહે. સમર્પણ ટાવર, અંકુર ચાર રસ્તા, નારણપુરા) અને તેમના મોટાભાઇ તુષાર સાથે પરિચય કરાવ્યો હતો.
મિહિર પટેલે જીતેન્દ્રભાઇને તેમના પત્ની અને પુત્ર સાથે કાયદેસર અમેરિકા સેટ કરવાની ખાતરી આપીને એક કરોડની ડીલ કરી
હતી. જૈ પૈકી ૨૫ લાખ એડવાન્સ માંગ્યા હતા.
આ ઉપરાંત, ટિકિટ , વિઝા અને હોટલ ખર્ચના
નાણાં પણ અલગથી લેવાનું નક્કી કર્યુ હતુ. જો કે ભારતથી સીધા અમેરિકાના વિઝા મળવા શક્ય
નથી. જેથી અન્ય દેશમાંથી અમેરિકાના વિઝા કરી આપવાની ખાતરી આપી હતી. જે પછી તમામના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજ લઇને
ગત ૧૭મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બેંગકોક થઇને અમેરિકા જવા માટેની વાત કરી હતી. જીતેન્દ્રભાઇ
અને તેના પરિવાર સાથે ભાવેશ પટેલ પણ બેંગકોક
આવ્યો હતો. ત્યાં પાંચ દિવસ રહ્યા બાદ ભાવેશે જણાવ્યું હતું કે બેંગકોકથી અમેરિકાના
વિઝા થઇ શકે તેમ નથી. જેથી મોરક્કો જઇને વિઝાની પ્રક્રિયા કરવી પડશે. પરંતુ, ભાવેશ તેમને મોરક્કોની
ફ્લાઇટની ટિકિટ કરાવીને ભારત પરત આવી ગયો હતો. મોરક્કો એરપોર્ટ પર પહોચ્યા ત્યારે ઇમીગ્રેશન
વિભાગમાં જાણવા મળ્યું હતું કે મિહિર પટેલે જે હોટલ બુકિંગ કર્યું હતું તે બનાવટી હતું.
જેથી કલાકો સુધી જીતેન્દ્રભાઇ અને તેમના પરિવારને એરપોર્ટમાં બેસવુ પડયું હતું. તે પછી મિહિર પટેલને આ અંગે જાણ કરતા તેણે મોરક્કોમાં
એક ફ્લેટમાં ભાડે રહેવા માટે મોકલી આપ્યા હતા. જ્યાં ચાર મહિના સુર્ધી રહ્યા હતા. પરંતુ, ત્યારબાદ પણ વિઝાની કામગીરી થતી નહોતી અને જીતેન્દ્રભાઇ તેમજ
તેમના પુત્રની તબિયત લથડી હતી. જેથી મિહિરને
ફોન કરતા તેણે ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. બાદમાં તેણે ફોન રીસિવ કરીને મિહિર પટેલે કહ્યું
હતું કે વિઝા માટે હવે તમામને સાલ્વાડોર જવાનું થશે. જો મલેશિયા નહી જાવ
તો મોરક્કો પોલીસમાં સમગ્ર પરિવારને પકડાવી દઇશ. જેથી ડરીને જીતેન્દ્રભાઇ અને તેમનો
પરિવાર સાલ્વાડોર જવા તૈયાર થયા હતા અને મિહિરે તેમને બનાવટી એર ટિકિટ મોકલી આપી હતી.
જે વાતની જાણ પરિવારને મોરક્કો એરપોર્ટ પર પહોંચીને થઇ હતી. જે અંગે મિહિર પટેલને ફોન કરતા તેણે બે હજાર ડોલર
ટ્રાન્સફર કરીને મલેશિયા જવાનું કહ્યું હતું. જ્યાં પહોંચતા એક વ્યક્તિએ તેમને એક રૂમમા
રહેવા માટે મોકલીને તમામના પાસપોર્ટ લઇ લીધા હતા.
તે પછી ભાવેશ પટેલ પણ મલેશિયા આવ્યો હતો. તેણે જીતેન્દ્રભાઇના પરિવારને રૂમમાં
ગોંધી રાખ્યા હતા અને એક જ ટાઇમ જમવાનું આપતો હતો. આ દરમિયાન જીતેન્દ્રભાઇના વિઝા પૂર્ણ થઇ ગયા હોવાથી વધારાના વિઝા અપાવવા અને પાસપોર્ટ પરત કરવાના બદલામાં
મિહિર પટેલે રૂપિયા ૧૦ લાખની માંગણી કરી હતી.જેથી
જીતેન્દ્રભાઇના ભાઇ ભાવિકભાઇએ સોનાના દાગીના વેંચીને ૧૦ લાખની રોકડની વ્યવસ્થા
કરીને મિહિરના ભાઇ તુષાર અને તેના પિતા કૃષ્ણકાંત પટેલને ચુકવી આપ્યા હતા. ત્યારપછી
જીતેન્દ્રભાઇને પાસપોર્ટ પરત અપાયા હતા. પરંતુ, તેમને આપવામાં આવેલા સાત દિવસના વિઝા બનાવટી હોવાનું જાણવા મળ્યું
હતું. જેથી મલેશિયામાં ઓવરસ્ટેની પેનલ્ટી ભરીને જીતેન્દ્રભાઇ પરિવાર સાથે ભારત પરત
આવ્યા હતા. જે બાદ મિહિર પટેલ,
તેના ભાઇ તુષાર પટેલ,
પિતા કૃષ્ણકાંતભાઇ અને ભાવેશ પટેલ વિરૂદ્વ ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં
આવી હતી. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.