સૌરાષ્ટ્રની સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી બેઠક પર ‘અટકળો’નો અંત
કોંગ્રેસના નવા સવા ઉમદવાર એવા જિલ્લા પંચાયતના સદસ્ય મારવિયાની ૨.૩૮ લાખ મતે હાર, પૂનમબેન માડમ ફરી દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે
જામનગર: સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧ર-જામનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી પૂનમબેન માડમ સતત ત્રીજી વખત જંગી સરસાઈથી વિજેતા થયા છે. અને જીતની હેટ્રિક લગાવી છે.તેઓનો આશરે ૨,૩૮૦૦૮ મત ની જંગી લીડ થી વિજય થયો છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ વંટોળ જોવા મળ્યો હતો.પરંતુ પરિણામમાં તેની કોઈ અસર જોવા મળી નથી.
જામનગર બેઠક પર ૫૭.૬૭ ટકા મતદાન થયું હતું.કુલ મતદારો ૧૮૧૭૮૬૪ પૈકી ૧૦૪૮૪૧૦ મતદારોએ પાતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જામનગર લોકસભાની બેઠક પર ભાજપ- કોંગ્રેસ સહિત કુલ ૧૪ ઉમેદવાર મેદાનમાં હતા. જામનગરમાં આજે હરિયા કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતના બે-ત્રણ રાઉન્ડ સુધી જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય એવા કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા અને ભાજપના પૂનમબેન માડમ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. એક તબક્કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ પણ હતાં, પરંતુ ત્યાર પછીના દરેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી કોંગ્રેસના ઉમેદવારને ખૂબ પાછળ રાખી દીધા હતા.જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને ૬૨૦૦૪૯ મત અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાને ૩૮૨૦૪૧ મત મળ્યા હતાં. જેથી પૂનમબેન માડમ ૨૩૮૦૦૮ મત ની સરસાઈ મળી હતી. જામનગર બેઠક પરથી પૂનમબેન માડમની અને ભાજપની હેટ્રીક થવા પામી છે.
જામનગર બેઠક પણ રૂપાલાના નિવેદનના વિવાદના પગલે ક્ષત્રિય સમાજના વિરોધ તેમજ ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદાર સમાજના ઉમેદવાર હોવાના કારણે ભારે રસપ્રદ બની રહી હતી.જામનગરમાં ક્ષત્રિય સમાજ ના આંદોલન ફેક્ટરની અસર ચાલી નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળે વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. પરંતુ ચૂંટણીના પરિણામો પર તેની કોઈ ખાસી અસર જોવા મળી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જામનગરના ઉમેદવાર માટે પ્રચાર માટે જામનગર આવ્યા હતા અને સભા ગજાવી હતી.જ્યારે તેની સામે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાનો પ્રચાર ઘણો ઓછો રહ્યો હતો. ખંભાળિયા, ભાટિયા, જામનગર, ભાણવડમાં માત્ર નાની-મોટી સભા યોજાઈ હતી. કોઈ મોટા નેતા આવ્યા ન હતા, તેમજ કોંગ્રેસના સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરોમાંથી મોટાભાગના પૂરેપૂરા સક્રિય રહ્યા ન હતા.
આ બેઠક પર અન્ય ૧૨ ઉમેદવારોને માન્ય મત કરતાં ૧૦ ટકા થી પણ ઓછા મત મળ્યા છે.જેથી તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે.જામનગરની બેઠક પર નોટા-માં ૧૧૦૮૪ મતદારોએ મતદાન કર્યું છે.
જામનગર લોકસભા બેઠક
ઉમેદવારનું નામ
પક્ષ
મળેલા મતો
૧. પૂનમબેન માડમ
ભાજપ
૬૨૦૦૪૯
૨. જે.પી. મારવિયા
કોંગ્રેસ
૩૮૨૦૪૧
૩. જયસુખ પિંગલસુર
બસપા
૧૧૪૬૨
૪. રણછોડ કણઝારીયા
વીરો કે વીર
ઈ.પાર્ટી
૭૦૦૨
૫. પરેશ મુંગરા
રાષ્ટ્રીય મહા. ભૂમિ
પાર્ટિ
૧૨૭૦
૬. અનવર સંઘાર
અપક્ષ
૧૨૯૯
૭. યુસુફ ખીરા
અપક્ષ
૧૩૭૧
૮. અલારખા ઘુધા
અપક્ષ
૧૫૮૫
૯. નદીમ મહંમદ હાલા
અપક્ષ
૧૦૭૦
૧૦. નાનજી બથવાર
અપક્ષ
૧૩૭૦
૧૧. રફીક પોપટપુત્રા
અપક્ષ
૧૧૩૮
૧૨. ભુરાલાલ પરમાર
અપક્ષ
૧૯૨૮
૧૩. પૂંજાભાઈ રાઠોડ
અપક્ષ
૩૭૩૨
૧૪. વિજયસિંહ જાડેજા
અપક્ષ
૪૮૩૪
૧૫. નોટા
૧૧૦૮૪