Lok Sabha Election Result : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતની તમામ બેઠક પર પાંચ લાખથી વધુ લીડનો કરેલો દાવો દક્ષિણ ગુજરાતમાં નવસારીને બાદ કરતાં પોકળ સાબિત થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને બારડોલી બે બેઠક પર ભાજપનો વિજય થયો છે પરંતુ બે લોકસભા મળીને પાંચ લાખ પણ લીડ મળી નથી જે સુરત અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
લોકસભાની ચૂંટણી જાહેર થવા સાથે જ સુરત બેઠક કાવા દાવા સાથે બિનહરીફ જાહેર થઈ હતી. તેની સાથે ગુજરાતમાં તમામ 26 બેઠક માટે હેટ્રીકની તો વાત કરવામાં આવી હતી પરંતુ તેની સાથે ભાજપે તમામ 25 બેઠક પર પાંચ લાખથી ઓછી લીડ નહી મળે તેવો દાવો કરવામા આવ્યો હતો. જો કે, દક્ષિણ ગુજરાતના નવસારી બેઠક પર જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચૂંટણી લડી રહ્યાં છે તેમાં તેઓએ પોતાનો જ રેકોર્ડ તોડીને મોટી લીડ મેળવી છે. પરંતુ તેની સાથે દક્ષિણ ગુજરાતની બારડોલી અને વલસાડ બેઠક પર જે દાવો કર્યો હતો તેના કરતાં અડધી લીડ પણ મેળવી શક્યા નથી,.
પાંચ લાખના દાવા સામે વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલને 2.13 લાખની લીડ અને બારડોલીના પ્રભુ વસાવાને 2.46 લાખની લીડ મળી છે. આ બન્ને બેઠકની લીડ ભેગી કરે તો પણ પાચ લાખની લીડ થઈ શકી નથી. જેના કારણે ભાજપના પાંચ લાખથી જીતનો દાવો દક્ષિણ ગુજરાતમાં પોકળ સાબિત થયો હોવાની ચર્ચા સુરત અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં હોટ ટોપિક બની ગઈ છે.