Surat LokSabha Election Result : લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ આજે મંગળવારે મતગણતરી શરૂ થઈ હતી પરંતુ આ મતગણતરીનો મંગળવાર બપોર સુધીમાં ભાજપ માટે અમંગળ સાબિત થઈ રહ્યો છે. આજે સવારથી જ મતગણતરી શરૂ થાય ત્યારથી જ સુરતમાં રાજકારણ સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા અનેક લોકો ટીવી અને ઈન્ટરનેટના માધ્યમથી પરિણામ અપડેટ જોઈ રહ્યાં છે. વહેલી સવારથી જ વિવિધ ચેનલ પર ચાલતી વિવિધ ડિબેટ સાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને લોકો પરિણામ અંગે માહિતી મેળવતા રહ્યા હતા.
સુરત લોકસભાની બેઠક બિનહરીફ થયા બાદ આજના પરિણામે ગુજરાતની બાકી તમામ 25 બેઠક અને એન.ડી.એ. 400 પાર થાય તેવું કહેવાતું હતું. જોકે, મતગણતરીની શરુઆતમાં ભાજપ એનડીએ આગળ હતું પરંતુ તેની સામે ઈન્ડિયા ગઠબંધન બરોબરી પર રહેલું જોવા મળ્યું હતું. આજે મંગળવારે પરિણામ જાહેર થાય તે પહેલાં જ સુરતની બેઠક બિનહરીફ થતા મતદાન થી વંચિત રહેલા સુરતીઓને પણ ગુજરાત અને દેશના પરિણામ પરની ઉત્કંઠા હતી. તેના કારણે સુરતના લોકો સવારે નોકરી ધંધે તો ગયાં છે હતા પરંતુ સવારથી જ દરેક કચેરી અને ધંધાકીય સ્થળે ટીવી સ્ક્રીન ચાલુ જોવા મળ્યા હતા. દરેક સ્થળે માત્રને માત્ર લોકસભાની ચૂંટણી પરિમાણની ચર્ચા જ સાંભળવા મળી હતી. પરિણામોમાં ઉતાર ચઢાવ જોઈ અનેક લોકો ના મિજાજ બદલાતા જોવા મળ્યા હતા.