પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણની હાર
પંચમહાલમાં સતત ચૌથી વખત ભાજપનો ભગવો લેહરાયો
રાજપાલસિંહ જાદવનો 5 લાખથી વધુ મતથી વિજય
પંચમહાલ લોકસભા બેઠકના મતદારોએ ફરી એકવાર ભાજપ પર ભરોસો વ્યક્ત કર્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવનો 7,94,579 મતથી ભવ્ય વિજય થયો છે. જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 2,85,237 મત મળ્યા છે. આમ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને 5,09,342 મતથી હરાવ્યા છે. રાજપાલસિંહ જાદવે પંચમહાલ સીટ પર જીત મેળવી ભાજપનો દબદબો યથાવત રાખ્યો છે. પંચમહાલ સીટ પર સતત ચૌથી વખત ભાજપનો ભગવો લેહરાયો છે.
જાણો કોણ છે રાજપાલસિંહ જાદવ
પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે રાજપાલસિંહ જાદવને મેદાનમાં ઉતાર્યા છે. રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ પંચમહાલ જિલ્લાના કાલોલના રહેવાસી છે અને બારૈયા ક્ષત્રિય સમાજ (OBC)માંથી આવે છે. શૈક્ષણિક લાયકાતમાં તેઓ આર્ટસમાં સ્નાતક છે અને વ્યવસાયે ખેડૂત છે. રાજપાલસિંહ જાદવ જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. કાલોલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા છે. 2021માં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતાં. તેઓ વર્ષ 2000થી ભાજપમાં જોડાયા અને 24 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે અને ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીના સભ્ય પણ છે.
પંચમહાસ લોકસભા બેઠકના જ્ઞાતિવાદી સમીકરણો
પંચમહાલમાં OBC મતદાર સૌથી વધુ છે. પંચમહાલ લોકસભામાં 51% જેટલા OBC મતદાર છે. જેમાં SC-ST મતદારોની સંખ્યા 21% જેટલી તેમજ સવર્ણ સમાજના 22% જેટલા મત છે. મુસ્લિમ સમુદાયના લગભગ 8% મત છે. પંચમહાલ લોકસભા બેઠક પર કુલ 63.60 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં શહેરામાં 63.56 ટકા, મોરવાહડફમાં 54.71 ટકા, ગોધરામાં 60.42 ટકા, કાલોલમાં 69.44 ટકા અને હાલોલમાં 68.70 ટકા મતદાન નોંધાયું હતું.