Bliss Aqua Water park Fired: રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાના ઘેરા પડઘાં હજી શાંત થયા નથી, ત્યાં મહેસાણા શહેરના ઊંઝા હાઈ વે પરનાભાન્ડુ ગામ નજીક આવેલાં બ્લીઝ એક્વા વર્લ્ડ વોટરપાર્કના સ્ટોરમાં ગઈકાલ રવિવારે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘડીભરમાં તો આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેમાં સ્ટોરમાં રહેલો વધારાનો મોટર સહિતનો માલસામાન બળીને ખાક થયો હતો.
આગની જાણ થતાં મહેસાણા પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતાં. અંદાજે 25000 લીટર પાણીનો મારો ચલાવી આગને હોલવવામાં આવી હતી. આગના બનાવના પગલે ગાંધીનગર ખાતેથી પ્રાદેશિક ફાયર ઓફિસર મહેસાણા દોડી આવ્યાં હતા અને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને તેનો અહેવાલ તૈયાર કરી ગ્રામ્ય મામલતદારને મોકલી આપવામાં આવનાર હોવાનું રિજીયોનલ ફાયર ઓફિસરે જણાવ્યું હતુ.
ફાયર વર્તુળોના જણાવ્યા મુજબ આગના બનાવની ગંભીરતાને અનુલક્ષીને બ્લીઝ એક્વા વોટરપાર્કને બંધ કરવામાં આવ્યો હતો. શોર્ટસર્કીટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરાયું હતુ.
મહેસાણા શહેરની ઊંઝા હાઈ-વે પરના ભાન્ડુ ગામ પાસે આવેલાં બ્લીઝ એક્વા વર્લ્ડ વોટરપાર્કમાં પાછળના ભાગેના સ્ટોર રૂમમાં આજે રવિવારે વહેલી સવારે આશરે પાંચેક વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઊઠી હતી. આગની જાણ થતાં વોટર પાર્કના જૈમિન બાબુલાલ પટેલે મહેસાણા ફાયર સ્ટેશનને ફોન મારફતે જાણ કરતાં નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાબડતોબ બે ટેન્કરમાં પાણી ભરીને ઘટનાસ્થળે ધસી ગયા હતા.
મહેસાણા ફાયર ઓફિસર હરેશ પટેલે જણાવ્યું હતું કે, આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું અનુમાન કરી શકાય છે. આગમાં સ્ટોરમાં રાખવામાં આવેલો સ્પેર મોટર સહિતનો વધારાનો માલસામાન સળગી ગયો હતો. બ્લીઝ એક્વા વર્લ્ડ વોટરપાર્કમાં ફાયર એનઓસી લીધેલી છે. અહીં ફાયર સેફ્ટી માટે એસ્ટીંગ્યૂશર ફીટ કરવામાં આવેલાં છે. વોટરપાર્કને આગના બનાવની ગંભીરતાને અનુલક્ષીને સાવચેતીના ભાગરૂપે બંધ કરાવવામાં આવ્યો છે.
મહેસાણા નજીકના બ્લીઝ એક્વા વર્લ્ડ વોટરપાર્કમાં આગના બનાવની જાણ થતાં દીક્ષિત પટેલ ( ઈન્ચાર્જ રિજીયોનલ ફાયર ઓફિસર, ગાંધીનગર) મહેસાણા વોટર પાર્કમાં દોડી આવ્યાં હતા. આર.એફ.ઓ.એ કહ્યું કે, આગના બનાવની તપાસમાં વોટરપાર્ક માલિકો દ્વારા ફાયર એનઓસી મેળવી હોવાની તથા ફાયર સેફ્ટી સીસ્ટમ ફીટ કરાવેલી છે. સ્થળ પર હોઝરીલ, એસ્ટીંગ્યૂશર નવા રીફીલ કરાવેલાં હોવાનું જોવા મળ્યું હતુ.