Ahmedabad: અમદાવાદમાં રોજ સવારે સવા લાખથી વધુ બાળકો સીએનજીના બાટલા પર બેસીને શાળાએ જાય છે. રાજકોટ અગ્નિકાંડ પછી બાળકોને લઈને થઈ રહેલી દુર્ઘટનાઓના કારણે સરકારી તંત્ર, શિક્ષણ વિભાગ અને સુરક્ષા તંત્ર ફાયર સેફ્ટી અંગે વધુ સંવેદનશીલતા દાખવી રહ્યું છે. સ્કૂલવેન અને કારમાં ફાયર એક્સ્ટિગ્વિશર રાખવું તો એક તરફ રહ્યું પરંતુ બાળકોને સીધા સીએનજીના બાટલા પર જ પાટીયું મૂકીને બેસાડવામાં આવે છે. આ પાટીયા પર ઓછામાં ઓછા રિક્ષા કે વાનમાં ત્રણ બાળકોને સીધા બેસાડવામાં આવે છે.
બાળકોને ઠૂંસી ઠૂંસીન ભરવામાં આવે છે
આપણે ત્યાં દુર્ઘટના બને તેની રાહ જોવાની પ્રણાલી પોલીસ અધિકારીઓ અને તંત્રમાં ઘર કરી ગઈ હોય એમ આ સમગ્ર તંત્રમાં મોટા પાયે કેટલાંક અંશે યુનિયન લેવલની હપ્તા પદ્ધતિ સેટ કરવામાં આવી છે એવું જણાવતા શિક્ષણ પ્રતિનિધી અજીતસિંહ સોલંકી જણાવે છે કે ઘણી રિક્ષાઓમાં સ્ટીકર લગાવવામાં આવતા હોવાથી તેમને આવતાં-જતાં પોલીસ ક્યારેય પૂછપરછ નથી કરતી. વાનમાં ઘણીવાર 16 બાળકોને ઠૂંસી ઠૂંસીન ભરવામાં આવે છે. અંદર બાળક ગૂંગળાતા ગૂંગળાતા શાળાએ જાય છે છતાં એકવાર શાળા છોડયા પછી શાળાની જવાબદારીમાં આ વિષય રહેતો નથી.
શાળાઓમાં એવરેજ 20થી 25 વેનની અવરજવર રહે
અમદાવાદમાં રુરલ અને શહેર વિસ્તારની 1500થી વધુ શાળાઓ છે. આ શાળાઓમાં એવરેજ 20થી 25 વેનની અવરજવર રહે છે જેમાંથી પ્રત્યેક વેનમાં સહેજેય નાના ત્રણ બાળકોને સિલિન્ડર પરના પાટીયા પર બેસવાનો વારો આવે છે. આ અંગે સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા મિતલબેન સૌદા જણાવે છે કે મોટા ભાગની શાળાઓ પરિવહનની જવાબદારી ઉપાડવા માંગતી નથી. વાલીઓ માટે અસુરક્ષિત છતાં એકમાત્ર ઉપાય છે. ઘણીવાર રસ્તામાં પોલીસ પકડે ત્યારે બધું સેટિંગ થઈ જાય છે. આખરે બાળકને મોડું ના થાય એટલી વાતથી જ માતા-પિતા સંતોષ માની લે છે.
વેનમાં જે બાટલો છે તે જીવંત બોમ્બ જ છે
અત્યાર સુધીમાં સિલિન્ડર પર બેસાડવાને કારણે કોઈ સ્કૂલ વાન ચાલક ડ્રાઈવરને સજા થઈ હોય કે તેની વાનને જપ્ત કરવામાં આવી હોય એવું ક્યાંય બન્યું નથી. ફાયર સેફ્ટી એનલાઈઝર દિપકભાઈ રાઠી જણાવે છે કે વેનમાં જે બાટલો છે તે જીવંત બોમ્બ જ છે. આપણે આવતાં જતાં આ દ્રશ્ય જોવા ટેવાયેલા છીએ કે રિક્ષામાં કે વેનમાં સિલિન્ડરની ઉપર પાટીયું અને એ પાટીયા પર બેઠેલા નાના બાળકો. છતાં કશું નહીં બને એમ માનીને આપણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈએ છીએ.
બાળકોના શ્વસનતંત્રને પણ નુકસાન કરે છે
વધુમાં આ ગેસ થોડા પ્રમાણમાં સતત લીક થતો હોવાથી બાળકોના શ્વસનતંત્રને પણ નુકસાન કરે છે. છતાં પરિવહનની તકલીફને પહોંચી વળવા દરેક વાલી આવું મોટું જોખમ ઉપાડવા તૈયાર થઈ જાય છે. ઘણીવાર તો રિક્ષામાં પાછળની બારી આગળ ત્રણેક બાળકોને એક સળિયાના ટેકે લટકાવવામાં આવે છે. જો કોઈ કારણસર બાળક પડી જાય તો પણ તે અકસ્માતનો ભોગ બને તેવી શક્યતાઓ છે. છતાં માસ લેવલે જાગૃતિ આવે તો આ શિક્ષણ પરંપરામાં પરિવહનની જે જોખમી પ્રેક્ટિસ છે તેમાં કોઈ સુધારો થઈ શકે.