Image Source: Twitter

Lok Sabha elections 2024: લોકસભા ચૂંટણી 2024 માટે 7 તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. બિહારમાં તમામ 7 તબક્કામાં મતદાન થયું છે. છેલ્લા તબક્કાના મતદાન બાદ અનેક એજન્સીના એક્ઝિટ પોલ બહાર આવ્યા છે. તમામ એક્ઝિટ પોલમાં જ્યાં એક કહેવામાં આવી રહ્યું છે કે, ફરી એક વાર NDAની જીત થશે. ત્યાં બીજી તરફ બિહારમાં NDAની બેઠકોમાં ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે. તમામ એક્ઝિટ પોલ NDAની બેઠકોમાં 4થી 12 બેઠકોના નુકસાનની વાત કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક એક્ઝિટ પોલ્સે એવું પણ કહ્યું છે કે JDUને વધુ નુકસાન થશે.

એટલું જ નહીં નીતીશ કુમારની પાર્ટીની માત્ર બેઠકો જ ઓછી નહીં થશે પરંતુ એક્ઝિટ પોલમાં વોટ ટકાવારીમાં પણ ઘટાડો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

નીતીશ કુમારને બેઠક અને વોટ ટકાવારી બંનેનું નુકસાન થઈ શકે છે

મેટ્રિઝના એક્ઝિટ પોલ પ્રમાણે બિહારમાં જનતા દળ યુનાઈટેડને 13 બેઠકો પર જીત મળવાની શક્યતા છે. ગત ચૂંટણીમાં બિહારમાં નીતીશ કુમારની પાર્ટીને 16 બેઠકો પર જીતી મળી હતી. આ ચૂંટણીમાં JDUને 3 બેઠકોનું નુકસાન થઈ શકે છે. આ સાથે જ વોટ ટકાવારીમાં પણ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. JDUને ગત ચૂંટણીમાં 22.3% વોટ મળ્યા હતા, જ્યારે આ ચૂંટણીમાં તેને 21.2% વોટ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે, ગત ચૂંટણીની સરખામણીમાં આ ચૂંટણીમાં JDU એક બેઠક ઓછી લડી રહી છે. આવી સ્થિતિમાં વોટ ટકાવારીમાં ઘટાડાનો એક આધાર આ પણ માની શકાય છે. 

શું નીતિશ કુમારની પકડ નબળી પડી રહી છે?

વર્ષ 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદથી સતત એવી ચર્ચા ચાલી રહી છે કે બિહારમાં નીતિશ કુમારની પકડ નબળી પડી છે. નીતીશ કુમારની પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 43 બેઠકો મળી હતી. ત્યારબાદ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, JDUની વોટબેંકમાં ઘટાડો આવ્યો છે. આવી સ્થિતિમાં જો આ ઘટાડો આંકડાઓમાં પણ નોંધવામાં આવે છે તો આ ચૂંટણી પરિણામ જનતા દળ યુનાઈટેડ અને નીતિશ કુમારના રાજકીય ભવિષ્ય માટે સંકટ લાવી શકે છે.

7થી 10 બેઠકો પર થઈ શકે છે નુકસાન

એક્સિસ માય ઈન્ડિયાના પોલ પ્રમાણે બિહારમાં NDAને 29-33 બેઠકો મળી શકે છે જ્યારે I.N.D.I.A. ગઠબંધનના ખાતામાં 7-10 બેઠકો આવી શકે છે. તેમાં ભાજપને 13-15, JDUને 9-11 અને કોંગ્રેસને એકથી બે બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. લોજપા(રામ વિલાસ)ના ખાતામાં પાંચ બેઠકો જઈ શકે છે.

જન કી બાત સર્વેમાં NDAને 32 થી 37 બેઠકો મળવાનું અનુમાન છે. એજન્સીએ 3થી 8 બેઠકો I.N.D.I.A. ગઠબંધનને આપી છે. આવી સ્થિતિમાં તમામ એક્ઝિટ પોલે NDAના 40 બેઠકો પર જીતના દાવાને ફગાવી દીધો છે.

એક્ઝિટ પોલ એક અંદાજ છે. પરિણામ તો 4 જૂને મતગણતરી બાદ જ જાણી શકાશે. NDA ચૂંટણીમાં 40 બેઠકો પર જીતના લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું હતું. મતદાનના તમામ તબક્કા પૂરા થયા બાદ પણ NDAના નેતાઓ 40 બેઠકો પર જીતનો દાવો કરી રહ્યા છે. આ ચૂંટણીમાં બિહારમાં NDAમાં BJP, JDU, લોજપા (રા), જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવામ મોરચા અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા સામેલ છે.

NDA અને  I.N.D.I.A. ગઠબંધનમાં કેવી રીતે થઈ હતી સીટ વહેચણી

બિહારની 40 લોકસભામાં ભાજપ 17, જેડીયુ 16, લોજપા (રા)ને 5 તથા જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને એક-એક બેઠકો આપવામાં આવી હતી. બીજી તરફ મહાગઠબંધન ( I.N.D.I.A. ગઠબંધન)માં, RJD 26 બેઠકો પર, કોંગ્રેસ નવ અને વામપંથી પક્ષોએ પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી. RJDએ પોતાના ક્વોટામાંથી મુકેશ સહનીની પાર્ટી વિકાસશીલ ઈન્સાન પાર્ટીને ત્રણ બેઠકો આપી દીધી હતી. મુકેશ સહનીની પાર્ટીએ ગોપાલગંજ, ઝંઝારપુર અને મોતિહારીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. નોંધનીય છે કે છેલ્લી ચૂંટણીમાં એટલે કે 2019માં NDAને 39 બેઠકો પર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી હતી. RJDનું ખાતું પણ નહોતું ખુલ્યું. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *