Himachal Assembly By Election 2024: હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ ત્રણેય અપક્ષ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકારી લીધા છે. ત્રણ અપક્ષ ધારાસભ્યો કૃષ્ણલાલ ઠાકુર, હોશિયાર સિંહ અને આશિષ શર્મા હવે વિધાનસભાના સભ્ય નથી. અપક્ષ ધારાસભ્યોએ 22મી માર્ચે તેમના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને 23મી માર્ચે ભાજપમાં જોડાયા હતા. આગામી છ મહિનામાં હિમાચલ પ્રદેશની અન્ય ત્રણ વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાશે.
રાજીનામું સ્વીકારવાની લડાઈ હાઈકોર્ટ સુધી પહોંચી
અપક્ષ ધારાસભ્ય કૃષ્ણલાલ ઠાકુર, હોશિયાર સિંહ અને આશિષ શર્માએ 22મી માર્ચે વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 23મી માર્ચે ભાજપમાં જોડાયા હતા. જ્યારે વિધાનસભા અધ્યક્ષે તેઓના રાજીનામાં સ્વીકાર્યા નહતા, ત્યારે ત્રણેય ધારાસભ્યોએ તેમનું રાજીનામું સ્વીકારવા માટે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ હાઈકોર્ટની ડબલ બેન્ચના અસંમત દૃષ્ટિકોણને કારણે કેસની સુનાવણી સિંગલ જજ દ્વારા કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાણિયાએ આ ત્રણ અપક્ષ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.
પહેલી જૂને છ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી
હિમાચલમાં ચાર લોકસભા બેઠક માટે ચૂંટણીની સાથે છ બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાઈ છે. કોંગ્રેસના છ ધારાસભ્યોને પક્ષેએ ગેરલાયક ઠેરવ્યા હતા. આ ધારાસભ્યોએ ફેબ્રુઆરી 2024માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. જેના કારણે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીની જગ્યાએ ભાજપના હર્ષ મલ્હોત્રાનો વિજય થયો હતો. કોંગ્રેસે પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. જે બાદ આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણીના મતદાનની સાથે પહેલી જૂને ધર્મશાલા, લાહૌલ અને સ્પીતિ, સુજાનપુર, બડસર, ગગરેટ અને કુટલેહારમાં વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન થયું હતું.