ગરબાડાના જામ્બુઆ ગામે મહિલા સરપંચના પતિ દ્વારા ગેરરીતિ
મહિલા સરપંચ વિરુદ્ધ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા માગ
વડલી ફળિયા ખાતે જુના નાળાને પ્લાસ્ટર કરી નવુ દર્શાવાયું છે.
ગરબાડા તાલુકાના જામ્બુઆ ગામે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી તથા બાંધકામ ઇજનેરની મીલીભગતથી વિકાસના કામોમાં ગેરરીતિ આચરી સરકારી રૂપિયા ઉચાપત કરી ગયા હોવાની બૂમ ગ્રામલોકોમાં ઉઠવા પામી છે. જામ્બુઆ ગામે નાળાના કામો જે વર્ષો અગાઉ કરવામાં આવેલ હતા. જેમાંથી ડુંગરા ફળિયા ખાતે તેમજ વડલી ફળિયામાં જે નાળા છે. તે ઘણા જ વર્ષો જૂના છે. જૂના નાળાના કામોને પ્લાસ્ટર કરી નવીન કરી અને સરપંચ તથા તલાટી કમ મંત્રીની મિલીભગતથી નવીન કામો બતાવી પંચાયતના નાણાં ઉચાપત કરી દેવાયા હોવાનું ગ્રામ લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે. તેમજ ડુંગરા ફળિયામાં રામસિંગભાઈના ઘરે પોતાના સ્વખર્ચે સંડાસ બાથરૂમ બનાવ્યા હતા. તે બાથરૂમને મહિલા સરપંચના પતિ સુરેશભાઈ દ્વારા પંચાયતની તકતી મૂકી અને ફોટો પાડી રૂપિયા ચાઉં કરી ગયા હોવાનું સામે આવ્યું છે. તે સિવાય અન્ય એવા ઘણા બોગસ વિકાસના કામો કરી મહિલા સરપંચના પતિ દ્વારા સરકારી નાણાં ઉચાપત કરી હોવાનું ગ્રામ લોકો જણાવી રહ્યા છે. જેની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટીમ બનાવી તટસ્થ તપાસ કરાય તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. ત્યારે ગામ લોકો દ્વારા મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ વહીવટ કરતા હોય છે. તેમજ સહી પણ મહિલા સરપંચના પતિ દ્વારા કરાતી હોવાનું ગ્રામ લોકો પાસેથી જાણવા મળ્યું છે.
જામ્બુઆ ગામે વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ માટે ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અરજી પણ કરેલ છે. ત્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના કામોમાં કરવામાં આવેલ બોગસ કામોની તપાસ કરી સરપંચ સામે કડક કાર્યવાહી કરવા લોકમાગ ઉઠી છે. આ અંગે ગરબાડા ટીડીઓ સાથે વાતચીત કરતા તેઓ જણાવેલ કે, આ બાબતે અંહિયા કોઈ અરજી મળેલ નથી. જો કોઈ અરજી આવશે તો તપાસ કરીશું તેમ જણાવવામાં આવેલ છે. ત્યારે સવાલ એ થાય છે કે, ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોય અને આ બાબતે જાણ કરવા છતાં પણ કોઈ અરજીની રાહ જોઈ કાર્યવાહી ન કરાતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
મારા બાથરૂમ પર પંચાયતના કામની તકતી મૂકી ફોટો પાડયો
મારા ઘરે બનાવેલ શૌચાલય, બાથરૂમ મારા સ્વખર્ચે બનાવેલ છે. પરંતુ સરપંચ દ્વારા મારા બાથરૂમ પર પંચાયતના કામની તકતી મૂકી ફોટો પાડવામાં આવેલ છે.- રામસીંગ પરમાર, ગ્રામજન જામ્બુઆ
25 વર્ષ જુના નાળાના રિપેરિંગ કામમાં ગેરરીતિ
ડુંગરા ફળિયા ખાતે જે આ નાળું બનાવવામાં આવેલ છે. તે નાળું 25 વર્ષ જૂનું છે. પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ નાળાને રિપેર કરી નવીન બતાવી અને નાણાં ચાઉં કરી દેવામાં આવ્યા છે.- નળવાયા રાજુભાઈ, ડેપ્યુટી સરપંચ, જામ્બુઆ