ભટવદરના યુવાનના પોલીસ કસ્ટડીમાં આપઘાત અંગે : ગુનાઈત કાવત્રુ રચી આપઘાતની ફરજ પાડવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી
રાજકોટ, : જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના નરેશ જોળીયા (ઉ.વ. 27)એ સૂત્રાપાડા પોલીસ મથકમાં આત્મહત્યા કરી લીધાની ઘટનામાં આખરે સૂત્રાપાડાના પીઆઈ, તાલાલાના સીપીઆઈ આર.એન. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ઈલાબેન ભીખાભાઈ કામળીયા, અન્ય ત્રણ પોલીસમેનો ઉપરાંત અજાણ્યા 5 થી 6 પોલીસમેનો સામે ગુનો નોંધાયો છે.
મૃતકના પિતા જીવાભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પુત્ર નરેશના સાળા તરૂણ ચંદુભાઈ રાઠોડ વિરૂધ્ધ સૂત્રાપાડા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ તાલાલાના સીપીઆઈ આર.એન. જાડેજા ચલાવી રહ્યા હતા. એટલું જ નહીં પોલીસે તરૂણની સુરત ખાતેથી ધરપકડ કરી હતી. આ ધરપકડ અંગે તેના પરિવારજનોને પોલીસે કોઈ જાણ કરી ન હતી.
ત્યારબાદ તરૂણ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયાની ખોટી ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ ઈલાબેને આપી હતી. આરોપીઓને ફરિયાદી સાથે સારા સંબંધ હોવાથી તરૂણનું અપહરણ કરી, ગેરકાયદે ગોંધી રાખી, તેની હત્યા કરી નાખ્યાની ફરિયાદ તેના પુત્ર નરેશે આરોપીઓ વિરૂધ્ધ વારંવાર કરી હતી.
પરંતુ આરોપીઓએ આ બાબતે કોઈ કાર્યવાહી કરી ન હતી. એટલું જ નહીં તેના પુત્ર નરેશે આરોપીઓ વિરૂધ્ધ ગઈ તા. 12 એપ્રિલના રોજ જૂનાગઢ આઈજીને અરજી કરી હતી. આરોપીઓએ આ વાતને ધ્યાનમાં રાખી નરેશ સાથે બદલો લેવાની ભાવનાથી ગઈ તા. 22 મેના રોજ અટકાયત કરી, ઢોરમાર મારી, પીસીઆરમાં બેસાડી નાગેશ્રી પોલીસ મથકે લઈ ગયા હતા.
ત્યારબાદ આરોપીઓએ તેને મારકૂટ કરી, બેફામ ગાળો ભાંડી, ખોટા પોલીસ કેસમાં કેદ કરવાની ધમકીઓ આપી હતી. આ પછી તેને સૂત્રાપાડા પોલીસ મથકે લવાયો હતો. જયાં રાતના સમયે તેને સતત શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરી કહેવાયું કે તને ૬ વર્ષ સુધી જેલમાં નાખી દઈશું, જામીન મળવા નહીં દઈએ, તારો અંત હવે આવી ગયો છે, તારો સમય પુરો થઈ ગયો છે. આ રીતે આરોપીઓના ત્રાસને કારણે નરેશે ગઈ તા. 22 મેના રોજ સૂત્રાપાડા લોકઅપની ગ્રીલ સાથે માથું ભટકાડી આત્મહત્યા કરી લીધી હતી. આ પછી આરોપીઓ નરેશને માથામાં ગંભીર ઈજા હોવા છતાં તત્કાળ સારવાર માટે લઈ ગયા ન હતા. બીજા દિવસે સારવાર માટે લઈ ગયા હતા. જે દરમિયાન ગઈ તા. 24ના રોજ મૃત્યુ નિપજયું હતું. આ ફરિયાદના આધારે પોલીસ આઈપીસી કલમ 33, 34, 114, 120-B, 143, 166-(A), 323, 331 અને 306 વગેરે હેઠળ ગુનો દાખલ કર્યો છે.