મનપામાંથી વોર્ડ ઓફિસરા અને ટી.પી.સ્ટાફના પગારની પણ વિગતો મેળવાઈ : પૂર્વ ટીપીઓ સાગઠીયાએ 96 વારના પ્લોટમાં 5 માળનું બિલ્ડીંગ ખડકી દીધાની ફરિયાદ : 4 અધિકારીઓની ધરપકડથી મહાપાલિકામાં સન્નાટો ,આરોપી અફ્સરોના નિવેદનોમાં શાસક નેતાઓના નામો ખુલવા સંભાવના
રાજકોટ, : જે ભ્રષ્ટાચારના કારણે રાજકોટના ટીઆરપી ગેમઝોનને સીલ ન મરાયું કે તેનું ડિમોલીશન ન કરાયું તે ભ્રષ્ટાચાર કોણે કેટલી રકમનો કર્યો તે દિશામાં સિટ અને એ.સી.બી.દ્વારા ગુપ્તરાહે તપાસ શરૂ થયાનું આજે જાણવા મળ્યું છે. પોલીસ સ્ટાફે મહાપાલિકામાંથી ટી.પી.વિભાગના કર્મચારીઓની કામગીરી, ફરજ અને સત્તાની વિગતો સાથે ટી.પી.સ્ટાફને તેમજ વોર્ડ ઓફિસરોને કેટલો પગાર મળે છે તેની વિગતો પોલીસે મેળવી હતી અને બીજી તરફ પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠીયા અને ફાયર ઓફિસર બી.જે.ઠેબાની મિલ્કતોના સ્થળે ધસી જઈને તપાસ આદરી હતી. મનપા તથા અન્ય કચેરીઓના અધિકારીઓને ત્યાં પણ તપાસ શરૂ કરાઈ રહ્યાનું જાણવા મળે છે.
આજે પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા અને વોર્ડ નં. 10માં ફરજ બજાવી ચૂકેલા બે એ.ટી.પી. ગૌતમ જોષી અને તે પહેલાના મુકેશ મકવાણાની અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ગંભીર બેદરકારીથી અગ્નિકાંડ સર્જીને ૨૮ના મોત નીપજાવવાના સાપરાધ મનુષ્યવધના ગુનામાં આઈ.પી.સી.ક.૩૬નો ઉમેરો કરીને આજે ધરપકડ કરાઈ છે. આ પૈકી ઠેબા ગીતાનગર,ગોંડલ રોડ પર આવેલા નિવાસસ્થાને તથા ઓફિસે તેમજ સાગઠીયાનાના બે નિવાસસ્થાનો અને બે ઓફિસો પર એ.સી.બી. તપાસ કરવા પહોંચી હતી.
સાગઠીયાના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના નિવાસસ્થાનની નજીક તેમનું નિવાસસ્થાન આવેલ છે. આ સ્થળે આજે એ.સી.બી. પહોંચી હતી અને લોકોએ ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી. આ વિસ્તારના દિપકભાઈ નામના નાગરિકે જણાવ્યું કે માત્ર 96 વારના પ્લોટમાં સાગઠીયાએ પાંચ માળનું બાંધકામ ખડકી દીધું છે અને અમારૂ મકાન જર્જરિત થઈ ગયું છે જે અંગે અનેક ફરિયાદો કરી પરંતુ, ટી.પી.માં પટાવાળાથી માંડીને ઉપરી અધિકારી સુધી બધા ભળેલા છે પણ આજે અમને ન્યાય મળવાની આશા જાગી છે.
મહાપાલિકામાં આજે તપાસ કરતા પ્રાપ્ત વિગત અનુસાર ટી.પી.વિભાગના કર્મચારીઓને કેટલો પગાર ચૂકવાય છે તેની વિગતો મેળવાઈ છે જેના આધારે આ કર્મચારીઓએ બેનંબરી કેટલી મિલ્કતો મેળવી તેનો તાળો મેળવાશે.ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા દરેક વોર્ડ માં દરેક કામગીરીના સંકલનના નામ પર વોર્ડ ઓફિસરોની ભરતી કરવામાં આવી છે અને વોર્ડ ઓફિસરો આવા ગેરકાયદે માંચડા સામે પણ કમસેકમ ધ્યાન દોરવાનું કાર્ય કરી શકે ત્યારે વોર્ડ ઓફિસરોએ આ કામગીરી કરી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે.
મનપામાં ભાજપના હાલના અને ગત ચાર વર્ષમાં રહી ચૂકેલા અનેક સત્તાધીશો જમીન મકાનના મોટા ધંધાર્થીઓ છે અને તેમને ટી.પી.વિભાગનું કામ વારંવાર પડતું હોય છે ત્યારે ધરપકડ થયેલા અધિકારીઓ મોં ખોલે તો પદાધિકારીઓની સંડોવણી ખુલવાની શક્યતા પણ છે. કારણ કે આ પદાધિકારીઓએ અગ્નિકાંડ વાળા ગેમઝોન સહિતની મિલ્કતો અંગે કદિ ફરિયાદ કરી નથી ત્યારે તેઓ સંડોવાયાની પૂરી શક્યતા છે.