TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં  મજાકમાં ને મજાકમાં પોલીસને ગેરમાર્ગે દોરનાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી

રાજકોટ,  : ટીઆરપી ગેમ ઝોનમાં પોતાનો ભાણેજ અને પાડોશીનાં બે સંતાનો ગુમ થયાની ખોટી જાહેરાત કરી પોલીસ તંત્રને ધંધે લગાડનાર હિતેષ ઉર્ફે વિજય લાભશંકર પંડયા  (ઉ.વ. 43, રહે, રાજલક્ષ્મી સોસાયટી શેરી નંબર-૨૦, કોઠારીયા મેઈન રોડ) વિરૂધ્ધ પ્ર.નગર પોલીસે કેસ નોંધી અટકાયત કરી હતી. 

ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના ગત શનિવારે બની હતી. તેના ત્રણ દિવસ બાદ સિવિલમાં ધામા નાખેલી પોલીસ પાસે હોટલમાં રસોયા તરીકે કામ કરતો હિતેષ ઉર્ફે વિજય ગયો હતો અને તેણે પોતાનો ભાણેજ અને પાડોશમાં રહેતા બાળક અને બાળકી ટીઆરપી ગેમ ઝોનમાં રમવા ગયા બાદ લાપત્તા બની ગયાની જાણ કરી હતી. 

જેથી પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી હતી. જો કે શરૂઆતમાં જ પોલીસને શંકા ગઈ હતી. કારણ કે, આગની ઘટનાને ત્રણ દિવસ જેવો સમય વિતી ગયો હતો. વળી જે બાળકો ગુમ થયાનું હિતેષ ઉર્ફે વિજય કહેતો હતો તે તેના પાડોશમાં રહેતા હતાં. આ સ્થિતિમાં બાળકોનાં વાલીઓનાં બદલે હિતેષ ઉર્ફે વિજયે ગુમ થયાની જાહેરાત કેમ કરવી પડી તે બાબતે શંકા જતા પ્ર.નગર પોલીસે તેના ઘરે અને અગાઉ જયાં નોકરી કરતો હતો તે કારખાને જઈ તપાસ કરી હતી. 

આખરે હિતેષ ઉર્ફે વિજયનાં પરીવારનાં સભ્યોએ કોઈ ભાણેજ કે પાડોશી બાળકો ગુમ થયાનું નકારી કાઢ્યું હતું. જેને કારણે પ્ર.નગર પોલીસે હિતેષ ઉર્ફે વિજયની આકરી પુછપરછ કરતા ભાંગી પડયો હતો. તેણે ખોટી રીતે બાળકો ગુમ થયાની જાહેરાત કર્યાનું સ્વિકારી લીધું હતું. પરિણામે પોલીસે તેના વિરૂધ્ધ પોલીસને ગેરમાર્ગે દોરવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.

તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, હિતેષ ઉર્ફે વિજયને મજાક કરવાની ટેવ છે. આ અગાઉ પણ સોસાયટીમાં પણ મજાક કરી ચુક્યો છે. મજાકમાં ને મજાકમાં તેણે ખોટી જાહેરાત કરી નાખી હતી. ભવિષ્યમાં આ પ્રકારે કોઈ ખોટી જાહેરાત ન કરે તે કારણથી પોલીસે આ કેસમાં ગુનો દાખલ કર્યો હતો. ગત મંગળવારે તે નિત્યક્રમ મુજબ સિવિલમાં ચાલતા અન્નક્ષેત્રમાં જમવા આવ્યો હતો. તે વખતે પોસ્ટમોર્ટમ રૂમ પાસે તેણે લાપત્તા સ્વજનો અને પોલીસની બેઠક તરફ ચક્કર મારતા પોલીસે આ બાજુ શુ આવ્યા તેમ પુછતા બાળકો ગુમ થયાની ખોટી સ્ટોરી જણાવી દીધી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *