– વરીયાવી બજાર પોલીસ ચોકી પાસે બેકરી, કરીયાણા અને ગેસ સર્વિસ શોપમાં છાપો
– લાલગેટ પોલીસે તપાસ કરતા ત્રણ વેપારી સરકારી ભાવે ગેસ સિલિન્ડર મોટાપાયે ખરીદી બાદમાં ઊંચી કિંમતે વેચતા હતા, ધરપકડ કરાઈ
સુરત, : સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં વરીયાળી બજાર પોલીસ ચોકીની બાજુમાં અને નજીકમાં બેકરી, કરીયાણા અને ગેસ સર્વિસની દુકાનમાંથી ફાયર સેફટીના સાધનો વિના કાળાબજાર માટે સંઘરેલા ખાલી અને ભરેલા 75 સિલિન્ડર વેચતા ત્રણ વેપારીઓ મળતા પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે લાલગેટ પોલીસે ગતરોજ વરીયાળી બજાર પોલીસ ચોકીની બાજુમાં ઘર નં.12/2126 સ્થિત વૈભવલક્ષ્મી બેકરી એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરતા ત્યાંથી ફાયર સેફટીના સાધનો વિના સંઘરેલા 31 ભરેલા અને 4 ખાલી મળી કુલ 35 ગેસ સિલિન્ડર મળ્યા હતા.પોલીસે તેની બાજુમાં જ ઘર નં.12/2127 સ્થિત કરિયાણાની દુકાન ઘનશ્યામભાઈ ગાંધીને ત્યાં તપાસ કરતા ત્યાંથી પણ ફાયર સેફટીના સાધનો વિના સંઘરેલા 17 ભરેલા અને 8 ખાલી મળી કુલ 25 ગેસ સિલિન્ડર મળ્યા હતા.તેવી જ રીતે પોલીસે નજીકમાં ઘર નં.12/2124 સ્થિત ગેસ સર્વિસની દુકાન સ્ટાર સેલ્સ એન્ડ સર્વિસને ત્યાં તપાસ કરતા ત્યાંથી પણ ફાયર સેફટીના સાધનો વિના સંઘરેલા 7 ભરેલા અને 8 ખાલી મળી કુલ 15 ગેસ સિલિન્ડર મળ્યા હતા.
પોલીસ ચોકી પાસેથી જ પોલીસને ત્રણ દુકાનમાંથી કુલ 75 ગેસ સિલિન્ડર ફાયર સેફટીના સાધનો વિના સંઘરેલા મળતા પોલીસે વૈભવલક્ષ્મી બેકરી એન્ડ પ્રોવિઝન સ્ટોરના માલિક મનોજકુમાર ચંદ્રકાંતભાઇ માંજરાવાલા ( ઉ.વ.59, રહે.12/2126, વરીયાળી બજાર પોલીસ ચોકીની બાજુમાં, વરીયાળી બજાર રોડ, સુરત ), ઘનશ્યામભાઈ ગાંધીના માલિક ઘનશ્યામભાઈ બિપીનચંદ્ર ગાંધી ( ઉ.વ.55, રહે.ઘર નં.12/2127, વરીયાળી બજાર પોલીસ ચોકીની બાજુમાં, વરીયાળી બજાર રોડ, સુરત ) અને સ્ટાર સેલ્સ એન્ડ સર્વિસના માલિક ઈરફાન ઈદ્રીશભાઈ માલકાણી ( ઉ.વ.39, રહે.ફ્લેટ નં.301, એઝાઝ ઉમરજી એપાર્ટમેન્ટ, લાલમીયાં મસ્જીદ રોડ, ધોબીની વાડી, રામપુરા, સુરત ) ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ સરકારી ભાવે ગેસ સિલિન્ડર મોટાપાયે ખરીદી બાદમાં ઊંચી કિંમતે વેચતા હતા.
આથી લાલગેટ પોલીસે તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ એવા ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે મેળવી ફાયર સેફટીના સાધનો વિના રહેણાંક વિસ્તારમાં સંગ્રહ કરી બેદરકારી દાખવવા અંગેનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક ગેસની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતો વેપારી ઝડપાયો
સુરત, : લાલગેટ પોલીસે ગતરોજ મળેલી બાતમીના આધારે વરીયાળી બજાર ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક યાદગાર ચીકનની બાજુમાં ગુજરાત ગેસ એન્ડ સર્વિસ નામની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતો વેપારી આરીફ ઈકબાલ ડેરૈયા ( ઉ.વ.34, રહે.ફ્લેટ નં.201, જમજમ ટાવર, સાબરી નગર, ભરીમાતા રોડ, ચોકબજાર, સુરત ) ઝડપાયો હતો.પોલીસે ત્યાંથી ખાલી અને ભરેલા 13 ગેસ સિલિન્ડર, ગેસ રીફીલીંગની પાઇપ, ઈલેક્ટ્રીક વજનકાંટો વિગેરે કબજે કરી વેપારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.