100 થી 125 વર્કરો હીરા ઘસી રોજગારી મેળવે છે
ફાયર સેફ્ટીના સાધનો ન હોય પાલિકા દ્વારા કાર્યવાહી
હીરા ઘસવાની ફેક્ટરી ખાતે ફાયર સેફ્ટીના સાધનો નહી હોવાથી સિલ કરાઈ હતી.
શહેરા નગર પાલિકાની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગેની તપાસ શાળા, હોસ્પિટલ અને અન્ય સ્થળો ખાતે કરવામાં આવી હતી. જેમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં બીજા માળે આવેલી હીરા ઘસવાની ફેક્ટરી ખાતે ફાયર સેફ્ટીના સાધનો નહી હોવાથી સિલ કરાઈ હતી.
શહેરા નગર પાલિકાની ટીમ દ્વારા ઉપરી કચેરીના આદેશ મુજબ નગર વિસ્તારમાં ફાયર સેફ્ટી અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. શાળા, હોસ્પિટલ અને મોલ તેમજ અન્ય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં પાલિકાના જીતેન્દ્રસિંહ રાઠોડની ટીમ દ્વારા બીજા માળે આવેલી હીરા ઘસવાની ફેક્ટરી ખાતે ફાયર સેફ્ટી અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. 100 થી 125 વર્કરો રોજિંદા હીરા ઘસીને પોતાની રોજગારી મેળવતા હોય ત્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ઉપલબ્ધ ન હોવાનુ તપાસ દરમિયાન બહાર આવતા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.જોકે પાલિકાની ટીમ સાથે ફેક્ટરીના માલિક તેમજ કામ કરતા અમુક વર્કરોએ બોલાચાલી કરતા ના છૂટકે પોલીસ બોલાવી પડી હતી.
પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમ દ્વારા હીરા ઘસવાની ફેક્ટરીને સીલ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જોકે નગરના મહત્વના વિસ્તારોમાં આવેલા ઘણા બધા એકમોમાં તેમજ દુકાનોમાં કે જ્યાં પ્રજાજનોની અવરજવર રહેતી હોય ત્યાં ફાયર સેફ્ટી અંગે તપાસ હાથ ધરવામાં આવે તો ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે તેવી શક્યતાઓ પણ રહેલી છે. ત્યારે પાલિકા દ્વારા આવનારા દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કરશે. ફાયર સેફ્ટી અંગેને લઈને કે પછી માત્ર નોટિસ આપીને સંતોષ માનશે એવું તો નહી બનશે કે શું ? નગરપાલિકા ની ટીમ દ્વારા હાલ તો ફાયર સેફ્ટી અંગેની તપાસ દરમિયાન લાલ આંખ કરતા ફાયર સેફ્ટીના સાધનો લેવા માટે કેટલાક લોકોમાં દોડધામ મચી ગઇ છે.