– નાટો સીધી રીતે યુદ્ધમાં પડશે તો ૩જુ વિશ્વ યુદ્ધ દૂર નહીં રહે
– પશ્ચિમના દેશો યુક્રેનને શસ્ત્રોના વચનો આપે છે પરંતુ તે મોકલવામાં ઢીલ કરે છે તેથી રશિયા સામે ટક્કર લેવામાં ઢીલુ પડે છે
મોસ્કો : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ યુરોપના ૩ દેશોનો ઝંઝાવાતી પ્રવાસ ખેડયો હતો. દરમિયાન તેઓને એક મિલિયન ડોલરની શસ્ત્ર સહાય આપવાના વચનો અપાયા હતા. આ સામે રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિને ચેતવણી આપી છે કે જો શસ્ત્રોનો યુક્રેન રશિયાની ભૂમિ ઉપર ઉપયોગ કરશે તો તે ઘણો ભયાવહ માર્ગ બની રહેશે અને નાટો દેશોએ તેના ફળ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
પુતિને આ ચેતવણી તે પછી આપી હતી કે જ્યારે બેલ્જિયમે આગામી ચાર વર્ષમાં 30-F-16 યુદ્ધ વિમાનો આપવાનું વચન આપ્યું હતું. જયારે નેધરલેન્ડઝે પેટ્રિઅટ-એર-ડીફેન્સ સિસ્ટીમ તત્કાળ તૈયાર કરી આપવાનું વચન આપ્યું હતું.
તે સર્વવિદિત છે કે, વધુ સારા શસ્ત્રાસ્ત્રો ધરાવતાં રશિયન આર્મીએ યુક્રેનના ઉત્તર પૂર્વ અને પૂર્વના વિસ્તારો ઉપર કબજો જમાવી દીધો છે. દક્ષિણે બ્લેક-સીમાં આવેલા ક્રીમીયન દ્વિપકલ્પ ઉપર તો ૨૦૧૪થી કબજો જમાવેલો છે. રશિયાના વિશાળ માનવબળ અને આધુનિક શસ્ત્રાસ્ત્રો ધરાવતા સૈન્ય સામે યુક્રેનનાં સૈન્ય માટે ટકી રહેવું દિવસે દિવસે મુશ્કેલ બનતું જાય છે. ફેબુ્રઆરી ૨૪, ૨૦૨૨ થી રશિયાએ યુક્રેન ઉપર શરૂ કરેલા આક્રમણ સામે ટકી રહેવું યુક્રેનના દળો માટે મુશ્કેલ બનતુ જાય છે. રશિયાના વિશાળ સૈન્ય અને પ્રબળ યુદ્ધ વિમાનો યુક્રેનને રશિયાની દયા ઉપર છોડી દે છે. તેમાં અમેરિકાએ પણ યુક્રેનને શસ્ત્ર-સહાય કરવાનું વચન આપ્યું છે, પરંતુ તે શસ્ત્ર સહાય ઘણા લાંબા સમય પછી અને અપૂરતા પ્રમાણમાં મળી રહી છે.
જયારે ૭૧ વર્ષે પણ સશક્ત રહેલા રશિયાના પ્રમુખ પુતિને ઉઝબેકીસ્તાન જતા પહેલા પશ્ચિમને ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો યુક્રેન તે શસ્ત્રાસ્ત્રો (તેના સંરક્ષણને બદલે) રશિયાની ભૂમિ ઉપર વાપરશે તો યુદ્ધ અતિ ગંભીર તબક્કા તરફ ઢસડાઇ જશે.
પ્રમુખ પદની પોતાની પાંચમી ટર્મ શરૂ કર્યા પછી સૌથી પહેલી આ મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકીસ્તાનની મુલાકાતે જતા પહેલા પુતિને નાટો દેશોને આપેલી સીધી ચેતવણીઓ ત્યાં સુધી કહી દીધું કે, નાટો દેશો તેમાં વધુ પ્રમાણમાં ભળશે તો તે પ્રક્રિયા ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક ડગલું જ દૂર હશે.
મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, પશ્ચિમના શસ્ત્રોનો ઉપયોગ, પશ્ચિમની જાસૂસી માહિતી ઉપર આધારિત છે. તેમાં જો નાટો દેશો તેમના સૈનિકો પણ ત્યાં (યુક્રેનમાં) મોકલશે તો તેમણે તેનાં સંભવિત પરિણામો માટે તૈયાર રહેવું પડશે.
સોમવારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ વિવિધ દેશો સાથે કરેલા કરારો પ્રમાણે સ્પેને ૨૦૨૪માં ૧ બિલિયન યુરો (૧.૧ બિલિયન ડોલર્સ)ની યુક્રેનને લશ્કરી સહાય આપવા વચન આપ્યું હતું. જયારે બીજુ ૫ બિલિયન યુરો (૫.૪ બિલિયન ડોલર્સની) લશ્કરી (શસ્ત્ર) સહાય ૨૦૨૭ સુધીમાં આપવા વચન આપ્યું હતું. જો કે અબજો યુરોની યુક્રેનને લશ્કરી સહાય કરવા સામે હંગેરીએ (ઇ.યુ.નાં સભ્યે) વાંધો ઉઠાવ્યો હતો.
રશિયા યુક્રેનની સરહદમાં જ બફર-ઝોન રચવા આગ્રહ રાખે છે, જે સામે યુક્રેનને વાંધો છે. આ અંગે આપેલા પ્રતિભાવમાં યુક્રેનના વિદેશ મંત્રી દીમીત્રો ફૂલેનાએ કહ્યું હતું કે, સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનારી શાંતિ મંત્રણા તોડી પાડવા માટેનું પુતિનનું આ એક બહાનું છે.