Gaza War | ગાઝાના દક્ષિણમાં આવેલા રફાહ શહેરમાં ઇઝરાયેલ સતત હુમલા કરી રહ્યું છે જેમાં અનેક વિસ્થાપિત પેલેસ્ટાઇનોનાં મોત થયા છે. રવિવારે વિસ્થાપિતોના કેમ્પ પર કરાયેલા હવાઇ હુમલામાં 46 લોકોનાં મોત થયા હતાં જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતાં.
પેલેસ્ટાઇન ઓથોરિટીએ આ હુમલા અંગે જણાવ્યું છે કે ઇઝરાયેલે જાણીજોઇને વિસ્થાપિતોને નિશાન બનાવી હવાઇ હુમલા કર્યા છે. મંગળવારે પણ રફાહ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 21 લોકોનાં મોત થયા હતાં અને 64 ઘાયલ થયા હતાં.
ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઇન નાગરિકોના થઇ રહેલા મોત સામે અરબ દેશોમાં ભારે રોષ છે. સઉદી અરબ, યુએઇ, કતર, મિશ્ર સહિત અનેક આરબ દેશોએ હુમલા માટે ઇઝરાયેલની ટીકા કરી છે.
૨૨ અરબ દેશોના સંગઠન અરબ લીગે પણ ઇઝરાયેલના હુમલાની ટીકા કરી છે અને વિસ્થાપિતો પર હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યું છે. લીગના મહાસચિવ અહમદ અબુલ ગેઇતે યુદ્ધ અપરાધો માટે અપરાધીઓને દોષિત ઠેરવવા માટે આ અપરાધને આંતરરાષ્ટ્ીય કોર્ટમાં લઇ જવાની માગ કરી છે.
અરબ દેશોની સંસદે પણ પેલેસ્ટાઇન નાગરિકો પર ઇઝરાયેલ સેનાના હુમલાની ટીકા કરી છે. અરબ સંસદે જણાવ્યું છે કે ઇઝરાયેલ સેનાએ કાયદા, આંતરરાષ્ટ્રીય જોગવાઇઓ અને કાયદાકીય મૂલ્યોને તોડયા છે. જેને તાત્કાલિક રોકવાની જરૂર છે. ઇઝરાયેલના હુમલા અંગે સમગ્ર વિશ્વના 57 મુસ્લિમ દેશોના સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઇસી)એ એક નિવેદન જારી કર્યુ છે. આ નિવેદનમાં ઓઆઇસીએ મહિલાઓ અને બાળકોની હત્યા માટે ઇઝરાયેલની આકરી ટીકા કરી છે અને તેને માનવતાની વિરુદ્ધ યુદ્ધ અપરાધ ગણાવ્યો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય અપરાધ કાયદા હેઠળ અપરાધીઓને જવાબદાર ઠેરવવા જોઇએ.નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ઓઆઇસીએ આંતરરાષ્ટ્રીય સમુદાય ખાસ કરીને યુએન સુરક્ષા પરિષદને અપીલ કરી છે કે તે ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય રોપ્ટના ચુકાદાનો અમલ કરવા માટે મજબૂર કરે અને ઇઝરાયેલના હુમલાને રોકે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમે માગ કરીએ છીએ કે રફાહ ક્રોસિંગ ખોલવામાં આવે જેથી ગાઝા પટ્ટીમાં સડક, સમુદ્ર અને હવા દ્વારા માનવીય મદદ પહોંચાડવામાં આવે. અમે માગ કરીએ છીએ કે ઇઝરાયેલના હુમલાઓને રોકવામાં આવે જે સાત ઓક્ટોબરથી ચાલુ છે. જેમાં ૩૬૦૦૦થી વધુ પેલેસ્ટાઇન નાગરિકોનાં મોત થયા છે અને 81000થી વધુ લોકો ઘાયલ થયા છે. અમે માગ કરીએ છીએ કે પેલેસ્ટાઇનના નાગરિકોને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મળે.
તુર્કીના પ્રમુખ અર્દોગને નેતન્યાહુને મનોરોગી અને લોહી પીનારા પિશૈાચી ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ નેનન્યાહુની બર્બરતા જોઇ રહ્યું છે. તે બિમાર, મનોરોગી અને લોહી પીનાર પિશાચી છે. આજની યુવા પેઢી જોઇ રહી છે કે યહુદી ્અત્યાચાર શું છે. મને આશા છે કે હવે જે કાંતિ ફેલાઇ છે તેનાથી યુહુદીઓના આ અત્યાચારનો અંત થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા પણ ગાઝામાં નરસંહાર માટે ઇઝરાયેલ જેટલો જ જવાબદાર છે. જો કે બીજી તરફ ઇઝરાયેલે જણાવ્યું છે કે ગાઝામાં છેલ્લા સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અમે આગામી સાત મહિના સુધી યુદ્ધ માટે તૈયાર છીએ. અમે હમાસનો ખાતમો કરવા માગીએ છીએ.