Surat Corporation Fire Safty : સુરત સહિત ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ઉભી કરવા તથા વિદ્યાર્થીઓને જર્જરિત વર્ગખંડમાં ન ખસેડવા તથા શાળાના મકાનની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેની તાકીદ કરતો પત્ર સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જોકે, સુરત સહિત ગુજરાતની તમામ શાળાઓને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની શિખામણ આપનાર સમગ્ર શિક્ષા અભિયાનની સુરતની ઓફિસ જે બિલ્ડીંગમાં ચાલે છે તે બિલ્ડિંગની સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ છે. વર્ષ 2020માં સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેમ છતાં સમગ્ર શિક્ષા અભિયાન ઓફિસ સાથે તેના બાધકામને લગતી ઓફિસ પણ આ જ બિલ્ડીંગમાં હાલ પણ કાર્યરત છે.
રાજકોટની દુર્ઘટના બાદ સુરત સહિત ગુજરાતના તંત્ર ઉંઘમાંથી સફાળું જાગ્યું છે અને આવા બનાવ નહી બને તે માટેની સુચનાઓ શરુ કરી દીધી છે. આ ઘટના બાદ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સુરત પાલિકા સહિત રાજ્યની તમામ સ્કૂલો માટે એક પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. આ પરિપત્રમાં ફાયર સેફ્ટી ઉપરાંત સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગે પણ સૂચના લખવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, શાળામાં જર્જરિત રૂમ જાહેર થયેલ હોય અથવા સામાન્ય રીતે ભયજનક લાગતા હોય તેવા વર્ગખંડમાં બાળકોને બેસાડવા નહિ. આ ઉપરાંત અન્ય તકેદારી રાખવા માટે પણ સૂચના જાહેર કરવામા આવી છે.
શાળામાં એક પણ વર્ગખંડ જર્જરિત હોય તો વિદ્યાર્થીઓને નહી બેસાડવાનો પરિપત્ર જાહેર કરનાર સમગ્ર શિક્ષા અભિયાનની સુરત ખાતેની જે કચેરી છે તે કચેરીની બિલ્ડીંગ જ આખેઆખી જર્જરિત છે. વર્ષ 2020 માં એપ્રિલ મહિનામાં ગોપીપુરા ખાતેની આ બિલ્ડીંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ જ બિલ્ડીંગમાં 130 નંબરની એક શાળા ચાલતી હતી. આ શાળાના રિપોર્ટ નેગેટિવ આવતા આ શાળાને નજીકમાં આવેલ અન્ય શાળા સાથે વર્ષ 2020 ના ઓગસ્ટ મહિનામાં મર્જ કરી દેવામાં આવી હતી.
2020 માં જે બિલ્ડીંગનો સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં જ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી છે અને થોડા સમય પહેલાં તો આ બિલ્ડીંગમાં સમગ્ર શિક્ષા અભિયાનના બાંધકામ શાખા પણ શિફ્ટ કરવામાં આવી છે. આમ લોકો પાસે નિયમોનું પાલન કરાવતું તંત્ર જ સરકારના નિયમોનું પાલન કરતા નથી અને લોકો નિયમોનો અમલ કરે તેવો આગ્રહ રાખે છે.