– રોકડ, મોબાઈલ ચોરીને બેડરૂમ-મુખ્ય દરવાજો બહારથી બંધ કરી દીધા
– ફાયર બ્રિગેડે ત્રીજા માળ પરથી દોરીથી બીજા માળે ઉતરી મુખ્ય દરવાજો ખોલી અંદર જઈ બેડરૂમનો દરવાજો ખોલી તમામને બહાર કાઢ્યા
સુરત, : સુરતના ભાગળ બુંદેલાવાડ ખાતે આજે મળસ્કે ઘૂસેલો ચોર દાગીના, રોકડ અને મોબાઈલ ચોરી પાંચ સભ્યોને બેડરૂમમાં પુરી તેનો દરવાજો અને મુખ્ય દરવાજો બહારથી બંધ કરી બારી વાટે ફરાર થઈ ગયો હતો.ઘરમાં ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ત્રીજા માળ પરથી દોરી વડે બીજા માળે ઉતરી મુખ્ય દરવાજો ખોલી અંદર જઈ બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહીસલામત બહાર કાઢ્યા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે વહેલી સવારે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે બુરહાનપુરી ભાગળ બુંદેલવાડ ખાતે આવેલ એક મકાનના બીજા માળે અંદર પાંચ લોકો ફસાયા છે.આથી ઘાંચીશેરી ફાયર સ્ટેશનથી ફાયર જવાનોત્યાં દોડી ગયા હતા અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.ફાયર ઓફિસર મહેશ પટેલના જણાવ્યા મુજબ એક જ પરિવારના પાંચ સભ્યો નજીમ શેખ (ઉ.વ. 33 ), અજીમ શેખ ( ઉ.વ.36 ),અફરોઝ શેખ ( ઉ.વ.30 ), આબીદા બાનુ ( ઉ.વ.52 ), નઝરૂદ્દીન ( ઉ.વ.56 ) ઘરના બેડરૂમમાં ફસાયેલા હતા.આથી ફાયરના જવાનોએ ત્રીજા માળ પરથી દોરી વડે બીજા માળે ઉતરી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો અને અંદર જઈ બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહીસલામત બહાર કાઢ્યા હતા.
વધુમાં જાણવા મળ્યું હતું કે ઘરમાં મળસ્કે ચોર ઘુસી ગયો હતો અને પરિવારના સભ્યોને બેડરૂમની અંદર બંધક બનાવી ઘરમાંથી દાગીના,રોકડા અને બે મોબાઈલ ચોરી બેડરૂમનો દરવાજો તથા ઘરનો મુખ્ય દરવાજો પણ બંધ કરી બારીમાંથી ભાગી ગયો હતો.બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.