T20 World Cup News | આવતા મહિને શરૂ થઈ રહેલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારત-પાકિસ્તાનની મેચ પર આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ મેચ 9 જૂને ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ અંગે સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ISISએ આપી ધમકી…
આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે એક વીડિયોમાં ધમકી આપી છે. વીડિયોમાં ડ્રોન હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ધમકીનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શું બોલ્યાં ન્યૂયોર્કના ગવર્નર?
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે તેમણે ન્યૂયોર્ક પોલીસને સુરક્ષા વધારવા માટે સૂચના આપી છે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા જવાનોની હાજરી વધારવામાં આવશે. લોકોએ મોનિટરિંગ અને સંપૂર્ણ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. દક્ષિણ અને મધ્ય એશિયામાં સક્રિય ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનની શાખા ISIS-ખોરાસાન દ્વારા ચેટ ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આ ધમકી આપવામાં આવી છે.
30000 દર્શકોની ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમમાં રમાશે મેચ
હોચુલે કહ્યું કે આ સમયે કોઈ સુરક્ષા ખતરો નથી, પરંતુ અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે એપ્રિલથી જ તેમને ધમકીઓ મળવા લાગી હતી. ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન એટલે કે ISIS એ બ્રિટિશ ચેટ સાઇટ પર ક્રિકેટ સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી, જેના ઉપર ડ્રોન ઉડી રહ્યા હતા. તેમાં ભારત-પાકિસ્તાન મેચની તારીખ 9/06/2024 લખેલી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે તેની ક્ષમતા 30,000 દર્શકોની છે.