યુવકે બાંકડા પર બેઠેલા યુવકને માથામાં પાઈપ મારી દીધી
ત્રણેય હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે
સુરતના કતારગામમાં બાંકડા પર બેસવા બાબતે બોલાચાલી થતાં 3 શખસે એક યુવકની હત્યા કરી છે. એક યુવક બાંકડા પર બેઠો હતો ત્યાં મૃતક યુવકે આવીને કહ્યું કે, અહીં મારે બેસવું છે. પરંતુ હત્યારા યુવકે બાંકડા પરથી ઊઠવાનો ઈનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેથી મૃતક યુવકે બાંકડા પર બેઠેલા યુવકને માથામાં પાઈપ મારી દીધી હતી.
ત્રણેય હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
બાંકડા પર બેઠેલો યુવક ભાન ભૂલીને બે સાગરિત સાથે મૃતક યુવકને તમાચા, લાતો અને મુક્કાનો વરસાદ વરસાવીને હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. જોકે, પોલીસ સમક્ષ મામલો પહોંચતા ત્રણેય હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સોહનસિંહ મારવાડા લલિતા ચોકડી પાસે ફૂટપાથ પરના બાંકડા પર બેઠો હતો
સુરતના કતારગામ લલીતા ચોકડી પાસે મજૂરી કામ કરી ફૂટપાથ રહેતા 24 વર્ષીય શ્યામલાલ નાથુલાલ ચંદ્રવંશીઠાકુરની રાત્રે 9 વાગ્યાના અરસામાં 3 શખસે હત્યા કરી નાખી છે. રિક્ષા ચલાવતા સોહનસિંહ મારવાડા, રાહુલ સપકાલ અને મેહુલ ઉનાગરે લાતો અને મુક્કાનો બેરહેમીપૂર્વક માર માર્યો હતો. તેથી ઈજાગ્રસ્ત થયેલા શ્યામલાલને એમ્બ્યુલન્સ મારફત સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. હોસ્પિટલમાં શ્યામલાલનું મૃત્યુ થતાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ કરતા 3 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ આરોપીઓએ કરેલી કબૂલાત અનુસાર બનાવની રાત્રે સોહનસિંહ મારવાડા લલિતા ચોકડી પાસે ફૂટપાથ પરના બાંકડા પર બેઠો હતો.
પોલીસે હત્યારાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી
શ્યામલાલ ત્યાં આવ્યો હતો અને પોતે અહીં બેસવા માગે છે તેમ કહી સોહનસિંહને ઉઠી જવા કહ્યું હતું. સોહનસિંહે ઉઠવાનો ઇનકાર કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. બોલાચાલી દરમિયાન શ્યામલાલે પોતાના હાથમાં રહેલા પાઈપનો ટુકડો સોહનસિંહને માથામાં મારી લોહીલુહાણ કર્યો હતો. આ હુમલાથી સોહનસિંહ બેકાબૂ બની શ્યામલાલ પર તૂટી પડયો હતો. સોહનસિંહે શ્યામલાલને માથા અને ચહેરાના ભાગે તમાચા, લાતો અને મુક્કાનો વરસાદ વરસાવ્યો હતો. સોહનસિંહનાં બે સાગરીત રાહુલ સપકાળ અને મેહુલ ઉનાગર પણ શ્યામલાલ પર તૂટી પડ્યાં હતા. ત્રણેય શખસના ઢોર મારને કારણે શ્યામલાલનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જોકે, હાલ તો કતારગામ પોલીસે હત્યારાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.