મોસ્કો,૨૭ મે,૨૦૨૪,સોમવાર 

રશિયા અને યુક્રેન યુધ્ધને ૨ વર્ષ કરતા વધુ સમય પસાર થયો છે. આ એક એવું અંતહિન યુદ્ધ જેનાથી દુનિયાને જલદીથી છુટકારો મળે તેવા એંધાણ મળતા નથી. પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકા દ્વારા યુક્રેનને સતત મદદ મળતી હોવાથી રશિયા માટે મુકાબલો કાંટાની ટકકર જેવો બન્યો છે. યુક્રેનનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાતા ખારકિવમાં તાજેતરમાં જ રશિયાએ ભીષણ હુમલા કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનની પીકી બ્લાઇંડર્સ રશિયાના સૈન્યને ખારકિવમાંથી પીછેહઠ કરવા મજબૂર કર્યુ છે. યુક્રેની સેનાએ ખારકિવમાં ફરી મજબૂતાઇથી મોરચો સંભાળી લીધો છે. 

પીકી બ્લાઇંડર્સ યુક્રેનની સૈન્યની નાની ટુકડી છે જે રશિયન સૈનિકોને દોડાવીને થકવી નાખે છે. શસ્ત્રો પણ જપ્ત કરી લે છે. યુક્રેનની પીકી બ્લાઇંડર્સ ફ્રન્ટફૂટ પર નહી પરંતુ છુપાઇને હુમલો કરે છે. અચાનક જ થતા હુમલાથી રશિયન સૈનિકો હેબતાઇ જાય છે.  એક આંતરરાષ્ટ્ીય સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર ખારકિવ લડાઇમાં યુક્રેને આશ્ચર્યજનક સરસાઇ મેળવી છે. જો કે હજુ પણ રશિયાના સૈનિકો ડ્રોન વડે હુમલા કરી રહયા છે. યુક્રેની શહેરો પર મોટા હથિયારોની મદદથી સૈનિકો હુમલા કરી રહયા છે પરંતુ પીકી બ્લાઇંડર્સની ટુકડીના કારણે યુક્રેનનું મનોબળ મજબૂત બન્યું છે.

 અહેવાલ અનુસાર હવે ઉત્તરી ભાગમાં પણ યુક્રેનને ખતરો ઘટી ગયો છે. ખારકિવમાં હુકમનો એક્કો સાબીત થઇ રહેલી સૈન્ય ટુકડી પીકી બ્લાઇંડર્સ નામ યુક્રેનની એક પ્રસિધ્ધ ટીવી સીરિયલ પરથી પડયું છે. આ ટુકડીના લીડર એલેકઝાનડરનું માનવું છે ક પોતાનું કામ ટીવી સીરિયલના કલાકારો જેવું જ છે. ફર્ક માત્ર એટલો જ છે કે હાલમાં આ અસલી રોલ કરી રહયા છીએ. દરેકના માથા પર સપાટ ટોપી છે જેનાં પર શોધો અને મારી નાખો એવું લખવામાં આવ્યું છે. યુક્રેનની લડાઇની શરુઆતમાં સંખ્યા ઓછી હતી હવે ઘણી વધી ગઇ છે.  

આ ટુકડી પાસે રહેલા ડ્રોન ઉપર એક ખાસ પ્રકારનું હુક હોય છે જેની મદદથી રશિયન સૈનિકો પર મરણપ્રહાર કરવામાં આવે છે એટલું જ નહી શસ્ત્રો પણ પડાવી લેવામાં આવે છે. પીંકી બ્લાઇંડર્સ ખૂબજ પ્રશિક્ષિત સૈન્ય ટુકડી હોવાથી ખારકિવ જંગમાં યુક્રેનના સૈનિકોનું પડલુ ભારે જણાય છે.  જો કે રશિયાની સૈન્ય ટુકડીઓ પણ મજબૂત હોવાથી તેને હરાવવી સરળ નથી તેમ છતાં પીક બ્લાઇંડર્સે યુક્રેન માટે નવી આશા જન્માવી છે. રશિયા યુદ્ધમાં ઇલેકટ્રોનિક વોરફેયર અને જામર ટેકનિકની મદદથી શસ્ત્રોને નિષ્ફળ બનાવવા પ્રયાસ કરી રહયું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *