રાજકોટની દુર્ઘટના બાદ સુરત શહેરના ગેમ ઝોન સામે પાલિકાએ કામગીરી શરુ કરી છે તો બીજી તરફ કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદી પાલિકા અને લોકોની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ગેમ ઝોનના માલિકોએ મુકેલા ફાયરના સાધનો પર આજની તારીખ સ્પષ્ટ જોવા મળે છે તેના કારણે અનેક સવાલ ઉભા થયાં છે. અત્યાર સુધી ફાયરના સાધનો અને એન.ઓ.સી. ન લેનારા સામે પાલિકા ક્યા પ્રકારના પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેલી છે.
રાજકોટમાં શનિવારે ગેમ ઝોન માં બનેલી દુર્ઘટના બાદ સુરત શહેરમાં ગેમ ઝોન અને અન્ય સંસ્થામાં ફાયર સેફ્ટી સામે કામગીરી થાય તેવી પુરી શક્યતાના કારણે કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદીને ગેમ ઝોન બહાર ગોઠવી દીધા છે અને કલર પણ કરાવી દઈ ગેમ ઝોન દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા પહેલાથી જ હોવાનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે.
જોકે, રાજકોટ ની દુર્ઘટના બાદ સુરત પાલિકા અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોનની તપાસ કરવામા આવી છે તેમાં 6 ગેમ ઝોન મા ફાયર સેફ્ટી ન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે એક ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો છે એવું દર્શાવવામાં આવ્યું છે. જોકે, ફાયર સેફ્ટીના જે સાધનો મુકાયા છે તેમાં આજની તારીખ સ્પષ્ટ હોવાથી રાતોરાત સાધનો મુકવામાં આવ્યા છે તે બહાર આવી ગયું છે. જોકે, રોજ હજારો લોકો આવે છે તેવા ગેમ ઝોનમાં આવા પ્રકારની બેદરકારી અને ત્યાર બાદ પાલિકા તંત્રને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેની સામે પાલિકા કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.