Surat Gamezone : રાજકોટમાં શનિવારે સાંજે બનેલી ગેમઝોન હોનારત બાદ સુરત પાલિકા તંત્રએ પણ શહેરમાં ચાલતા ગેમ ઝોનની તપાસ કરી 10 જેટલા ગેમ ઝોનને વિવિધ ખામી માટે બંધ કરાવાયા હતા. પરંતુ આ કામગીરી દરમિયાન પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓની મોટી બેદરકારી બહાર આવી છે. સુરત શહેરમાં એક બે નહીં પરંતુ પાંચ-પાંચ ગેમઝોન પાલિકાની બિલ્ડીંગ યુઝ પરમીશન વિના જ ધમધમતા હતા. લાંબા સમયથી પાલિકાની પરવાનગી વિના આ ગેમઝોન ચાલતા હતા તો પાલિકાના અધિકારી કર્મચારીઓએ આ ગેમ ઝોન કેમ બંધ કરાવ્યા નહીં ? શુ પાલિકા અને અન્ય તંત્ર તક્ષશિલા કે રાજકોટ જેવી મોટી દુર્ઘટનાની રાહ જોતા હતા ? આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

રાજકોટમાં ગત શનિવારે સાંજે એક ગેમઝોનમાં લાગેલી આગમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. આ દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર જાગ્યું છે અને શનિવારે રાત્રીથી રવિવારે મોડી સાંજ સુધી શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં ચકાસણી કરી હતી અને 10 ગેમ ઝોન બંધ કરાવ્યા હતા તેમાંથી અડધોઅડધ એટલે કે પાંચ ગેમ ઝોન પાસે પાલિકાની બી.યુ. પરમીશન હતી જ નહીં.

સુરત પાલિકામાં વિસ્તારમાં લોકો પોતાના રહેવા માટે ઘર બનાવે છે અને જો તેમાં પાલિકાની બિલ્ડીંગ યુઝ (બી.યુ.) પરમીશન ન હોય અને વસવાટનો પ્રયાસ કરવામા આવે તો પાલિકા તંત્ર આકરી કામગીરી કરે છે. પરંતુ સુરતમાં લાંબા સમયથી પાંચ પાંચ ગેમ ઝોન પાલિકાની બી.યુ પરમિશન વિના કેવી રીતે ચાલતા હતા? તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે. રાજકારણીઓ અને અધિકારીઓની મીલી ભગતના કારણે આ ગેમ ઝોન બી.યુ પરમિશન વિના ચાલતા હતા અને આવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે. જોકે,પાંચ ગેમ ઝોન કેવી રીતે બી.યુ પરમિશન વિના ચાલતા હતા તેની તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *