નિયત ધોરણો કરતાં ચાર ગણી ફી વસુલતી શાળાઓ સામે તમાશો જોતું તંત્ર : રાજકોટ ઝોનની ફી નિર્ધારણ કમિટીનાં 5 પૈકી 3 સભ્યોની જગ્યા 8 મહિનાથી ખાલી : બાકી બે સભ્યોની મુદત 10મી જૂને પૂર્ણ
રાજકોટ, : ધો. 10નું રીઝ્લટ ઉંચુ આવ્યા બાદ ધો. 11- 12માં એડમિશન માટે ખાનગી સ્કુલો દ્વારા બેફામ ફિ વસુલવામાં આવી રહી હોવા છતાં રાજકોટમાં ફિનિર્ધારણ સમિતિ જાણે તમાશો જોઈ રહી હોય તેવી સ્થિતિ જોવા મળે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ખાનગી શાળાની ફિ નિર્ધારણની જવાબદારી સંભાળતી ફિનિર્ધારણ સમિતિનાં પાંચ સભ્યો પૈકી ત્રણ સભ્યોની મુદત આઠ મહિના પહેલાં પુરી થઈ ગઈ હોા છતાં આજ સુધી નવી નિમણુંક કરવામાં આવી નથી. ચેરમેન અને શિક્ષણ શાસ્ત્રી સહિત બે સભ્યોની મુદત તા. 10 જૂનનાં પુરી થઈ રહી હોવાથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૃ થાય તે પહેલાં ૧૧ જિલ્લાની ફિ નિર્ધારણ કમીટીમાં નવા સભ્યોની નિમણુંક નહી થાય તો કમીટી માત્ર કાગળ ઉપર રહી તેવી સ્થિતિ જોવા મળશે.
સૌરાષ્ટ્ર કચ્છનાં 11 જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાની ફી નિર્ધારણની જવાબદારી રાજકોટની કમીટી સંભાળે છે. રાજકોટ શહેરમાં સૌથી વધુ તોતીંગ ફી ઉઘરાવતી મોટાભાગની શાળાઓમાં ફિ ઉપર કોઈ નિયંત્રણ ન હોય તેવી સ્થિતિ છે. દર વર્ષે સોગંદનામા મુજબ રાજય સરકારે રૂ. 15,000 પ્રાથમિક શાળા માટે રૂ. 25,000 માધ્યમિક અને રૂ. 27,000 ઉચ્ચતર માધ્યમિક શાળાની વાર્ષિક ફી જાહેર કરી હોવા છતાં નેક ખાનગી શાળાઓમાં જુદા જુદા અભ્યાસલક્ષી વર્ગોનાં નામે તેમજ વધારાની સુવિધા આપવામાં આવતી હોવાું દર્શાવી વિદ્યાર્થીઓ પાસેથી નિયત થયેલી ફી કરતાં ચારગણી ફી વસુલવામાં આવે છે. ફિ નિર્ધારણ સમિતિનો જાણે ખાનગી શાળાઓ ઉપર કોઈ અંકુશ ન હોય તે રીતે આ વર્ષે અનેક ખાનગી શાળાઓએ ફિ વધારો ઝીંકી દીધો છે. રાજકોટમાં ફિ વધારાના મુદ્દે જે શાળાઓએ દરખાસ્ત કરી છે. તે પૈકી અનેક શાળાનો નિર્ણય કમીટીમાં પુરતા સભ્યોની નિમણુંક થઈ નહી હોવાને લીધે પેન્ડીંગ છે.
ખાનગી શાળાઓ માટે શિક્ષણ એ વેપાર બની ગયો છે. વાલીઓ પાસેથી લખલુંટ ફી વસુલતી શાળાઓને અંકુશમાં લેવા માટે શિક્ષણાધિકારી કચેરી કે ફિ નિર્ધારણ કમીટી માત્ર તમાશારૃપ બની રહી છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થી સંગઠનો આગામી દિવસોમાં ખાનગી શાળાઓનાં ફિ વધારા સહિતનાં મુદ્દે મોરચો માંડે તેવી સંભાવના દર્શાવી હતી.