રાજકોટના પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ : પારસી અગિયારી ચોક અને બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો
રાજકોટ, : રાજકોટમાં લગ્નની લાલચ આપી વધુ એક યુવતીને હવસનો શિકાર બનાવાયાનો કિસ્સો બહાર આવ્યો છે. પ્ર.નગર પોલીસે ગાંધીગ્રામ શેરી નં. ૬માં રહેતા કશ્યપ રાજુભાઈ સોલંકી વિરૃધ્ધ દુષ્કર્મ અને ખૂનની ધમકી આપવાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.
ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે છ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થઇ હતી. બે વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. બે વર્ષ પહેલા જ રૈયા ચોકડીએ ફરવા ગઇ ત્યારે આરોપી સાથે પરિચય થયા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો. તે વખતે તેણે આરોપીને પોતાના છૂટાછેડા થઇ ગયાનું અને પુત્ર પતિ પાસે હોવાની વાત જણાવી હતી.
આમ છતાં આરોપીએ તેની સાથે લગ્ન કરીશ તેમ કહ્યું હતું. જેને કારણે આરોપીના વિશ્વાસમાં આવી ગઇ હતી. બે વર્ષ પહેલા આરોપીએ તેને પારસી અગિયારી ચોક નજીક આવેલી હોટલમાં બોલાવી તું આજથી મારી પત્ની છો તેમ કહી તેની સાથે તેની મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સાતેક મહિના સુધી અવારનવાર તે જ હોટલમાં બોલાવતો હતો.
એકાદ વર્ષ પહેલા આરોપીનું એક્સીડેન્ટ થતાં પગમાં ફ્રેક્ચર થયું હતું. જેને કારણે આરોપી પથારીવશ હતો. આ સ્થિતિમાં આરોપીએ તેને ઘરે સેવા કરવા માટે બોલાવી હતી. ઘરે જતી ત્યારે આરોપીના માતા-પિતા પણ બંનેના પ્રેમ સંબંધથી વાકેફ હતા. આરોપી માતા-પિતાની ગેરહાજરીમાં તેને ઘરે બોલાવી શરીર સંબંધ બાંધતો હતો.
2023ની સાલમાં આરોપીએ તેને રૈયા ચોકડીએ બોલાવી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે તેણે આરોપીને લગ્ન કરવાનંું કહેતા ના પાડી દીધી હતી. જેને કારણે આરોપી વિરૃધ્ધ પોલીસમાં અરજી કરતાં સમાધાનની વાત થઇ હતી. જો કે બાદમાં આરોપીએ લગ્નનો ફરીથી ઇન્કાર કરી દીધો હતો. આ રીતે આરોપીએ તેને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ બે હોટલ ઉપરાંત તેની બહેનપણીના મકાનમાં પણ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.