Surat Pre Monsoon Work : દર વર્ષની જેમ આ વર્ષે પહેલા વરસાદમાં પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પ્રશ્નો ઊભા ન થાય તે માટે મ્યુનિ. કમિશ્નરે તમામ ઝોનમાં કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરીનું નિરીક્ષણ કરવા માટેની કામગીરી શરુ કરી છે. ગઈકાલે પાલિકાના ઉધના અને લિંબાયત ઝોન બાદ આજે રાંદેર અને અઠવા ઝોનમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આજે મ્યુનિ. કમિશ્નરે નદી કિનારાના ફ્લડ ગેટ અને ખાડીની સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ વર્ષે વરસાદ વહેલો આવે તેવી શક્યતા છે તો બીજી તરફ પાલિકા તંત્ર હીટ વેવ સામે લોકોને રક્ષણ આપવા માટેની કામગીરી કરી રહ્યું છે. વહેલો વરસાદ આવે તે પહેલાં પ્રિમોન્સુન કામગીરી ઝડપથી પૂરી કરવા માટે મ્યુનિ. કમિશ્નરે તાકીદ કરી છે. ગઈકાલે મ્યુનિ. કમિશ્નરે શહેરમાં વરસાદી ગટરની જાળીયાની સફાઈ માટે જવાબદારી નક્કી કરી છે અને કામગીરી ન થઈ હોય તો પગલાં ભરવા માટેની ચીમકી આપી છે.
ગઈકાલે ઉધના અને લિંબાયત ઝોન બાદ આજે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ અધિકારીઓની ટીમ સાથે તાપી કિનારે આવેલા અઠવા અને રાંદેર ઝોનમાં થયેલી પ્રિમોન્સુન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આજે અઠવા ઝોનમાં સિટીલાઈટ, ન્યુ સિટીલાઈટ અને ભીમરાડ ખાડી સહિતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે રાંદેર ઝોનમાં એક્વેરિયમ ખાતે આવેલ ફ્લડ ગેટ અને પાલ ગ્રીન સિટી પાસે ખાડી સફાઈની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ બંને ઝોનના વડાને તાકીદના ધોરણે ખાડી સફાઇ સહિતની પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો