Surat: સુરતના પાર્લે પોઈન્ટ સ્થિત મેરીયોટ હોટલમાં એરીયા ટીમ આવવાની હોય ટ્રાન્સપોર્ટ મેનેજરે ગુગલ સર્ચ કરી મુંબઈ અંધેરીની લિમિટલેસ કાર હાયર પાસે કરોડો રૂપિયાની ત્રણ કાર ભાડેથી મોકલવા વાત કરી હતી.જોકે, તેમની પાસે રૂ.2 લાખ એડવાન્સ પેટે લઈ બાદમાં અમારી પાસે હાલમાં કાર નથી કહી કાર ભાડે આપનારે હાથ ઊંચા કરતા મેનેજરે મુંબઈ જઈ તપાસ કરી તો તે નામની કોઈ ઓફિસ નહોતી.ગુગલ મારફતે લોકો પાસે બુકીંગ મેળવી સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરનાર લિમિટલેસ કાર હાયરના સંચાલક વિરુદ્ધ સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાર્લે પોઈન્ટ અંબાજી મંદિર પાસે આવેલી મેરીયોટ હોટલમાં 10 જાન્યુઆરીના રોજ એરીયા ટીમ આવવાની હોય ટ્રાન્સપોર્ટ મેનેજર હફીઝ ઉલ્લા શેખે 9 નવેમ્બર, 2023 ના રોજ ગુગલ સર્ચ કરી મુંબઈ અંધેરી ( વેસ્ટ ) શાસ્ત્રીનગર સીટી મોલ ફેઝ ડી શોપ નં.108 સ્થિત લિમિટલેસ કાર હાયરના મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી બે ટોયોટા વેલફાયર અને એક મર્સીડીઝ મેબાક ભાડેથી મોકલવા વાત કરી વિગતો મેળવી હતી.લિમિટલેસ કાર હાયરના સંચાલક ઝીશાન મોહંમદ સિદ્દીક મેમણે ત્રણેય કારનું ભાડું રૂ.5,17,750 જણાવી તેના એડવાન્સ પેટે રૂ.2 લાખ જમા કરવા કહેતા હફીઝ ઉલ્લા શેખે તેના જણાવ્યા મુજબ બેન્ક એકાઉન્ટમાં રૂ.2 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
પૈસા ટ્રાન્સફર કર્યા બાદ હફીઝ ઉલ્લા શેખે મેઈલ પણ કરી કાર બુક કરવાની જાણ કરતા ઝીશાને ઓકે આઈ વીલ ડુ ઈટ તેવો જવાબ પણ આપ્યો હતો.જોકે, ત્યાર બાદ ઝીશાન તમે જે કાર બુક કરાવી છે તે હાલમાં નથી તેવો જવાબ આપતો હોય હફીઝ ઉલ્લા શેખ અને હોટલના સિક્યુરિટી મેનેજર રવિ શર્મા લિમિટલેસ કાર હાયરની મુંબઈની ઓફિસે ગયા તો ત્યાં તે નામની કોઈ ઓફિસ જ નહોતી.આ અંગે મેનેજમેન્ટ સાથે વાત કર્યા બાદ સિક્યુરિટી મેનેજર રવિ શર્માએ સાયબર ક્રાઈમ હેલ્પ લાઈનમાં ફરિયાદ કરી હતી.તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ લિમિટલેસ કાર હાયરના સંચાલક વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લિમિટલેસ કાર હાયરના સંચાલકે ગુગલ મારફતે લોકો પાસે બુકીંગ મેળવી સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ કરી છે.વધુ તપાસ પીઆઈ જી.એમ.હડીયા કરી રહ્યા છે.