Dhirendra Shastri In Controversy: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના મૌલા અલી અંગે નિવેદનને લઈને હવે વિવાદ વધી રહ્યો છે. જો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના નિવેદન માટે માફી માગી છે. પરંતુ લખનઉની શિયા ચાંદ કમિટીના વડા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલિસ ફરિયાદ નોંધવા માંગ કરી છે.
હું દરેક ધર્મનું સન્માન કરૂ છું: ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતા રહ્યું કે, ‘હું દરેક ધર્મનું સન્માન કરૂ છું. મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. કેટલાક લોકોએ ષડયંત્રના ભાગરૂપે બજરંગ બલીની વાતને મૌલા અલી સાથે જોડીને ખોટો પ્રચાર કર્યો. જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું.’ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. હજુ ફરિયાદ નોધવામાં આવી નથી.
મુસ્લિમ સમાજ જવાબ આપશે: મૌલાના સૈફ અબ્બાસ નકવી
મૌલાના સૈફ અબ્બાસ નકવીએ કહ્યું કે, અગાઉ પણ હિંદુ સમુદાયના લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી ગણાવતા તેમની સામે કેસ નોંધવાની માંગ કરી હતી અને તેમની વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી ચૂકી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણીનો મુસ્લિમ સમાજ ખુલ્લેઆમ જવાબ આપશે. અલી વિશે ખોટી ટિપ્પણીઓ સહન કરવામાં આવશે નહીં.’
ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર ચર્ચા રહે છે. તે લોકોના મનની વાત જાણતા હોવાનો દાવો કરે છે. તેના દરબારમાં લાખો લોકો પહોંચે છે. તેમના ભક્તોની તેમનામાં અતૂટ શ્રદ્ધા છે. ઘણાં લોકો તેમને માત્ર બાબા તરીકે જ નહીં પણ ભગવાન તરીકે પણ પૂજે છે.