Vadodara Corporation News : હાલમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે અને તેમાં પણ અવારનવાર વીજ પુરવઠો બંધ થઈ જતા લોકો અકળાઈ ઊઠે છે અને લોકોના મોરચા વીજ નિગમની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆતો કરે છે. જોકે ઉનાળાની ગરમીમાં વીજળીની ડિમાન્ડ વધતા ટેકનિકલ ફોલ્ટ થવાની સાથે સાથે ખોદકામ દરમિયાન કેબલ તૂટી જવાથી પણ વીજ પુરવઠો બંધ થઈ જાય છે. ઘણી વખત કોર્પોરેશન દ્વારા રોડ, પાણી, ગટરની કામગીરી માટે ખોદકામ દરમિયાન કેબલ તૂટી જાય છે ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડએ રોડ રસ્તાના ખોદકામ માટે જે તે વિસ્તારની કચેરીનો સંપર્ક કર્યા સિવાય ખોદકામ નહીં કરવા અનુરોધ કર્યો છે.
હજુ ગયા અઠવાડિયે જેસીબી થકી બહારની એજન્સી દ્વારા રોડના ખોદકામ દરમ્યાન અંડર ગ્રાઉન્ડ વીજ કેબલને નુકશાન થવાથી વડોદરા શહેરના સરદાર એસ્ટેટ, ખોડીયારનગર, હરણી, કારેલીબાગ તથા ગોત્રી વિસ્તારના રહીશોને અસહ્ય ગરમીમાં લાઈટો ડુલ થઈ જતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આવું ફરીવાર ન થાય અને ગરમીમાં લાઈટોના વાંકે લોકોને હેરાનગતિ ભોગવવી ન પડે તે માટે રોડ અને રસ્તાના ખોદકામ કરતા અગાઉ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની જેતે વિસ્તારની કચેરીનો સંપર્ક કરવા કહ્યું છે. કારણ કે જો સંકલન રાખીને કેબલ લાઈનના નકશાના આધારે ખોદકામ કરવામાં આવે તો કેબલ પણ ન તૂટે અને તેના લીધે વીજળીનો પુરવઠો પણ બંધ ન થાય.