Indian Students Stuck In Kyrgyzstan: કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની નાગરિકો સાથેની બબાલ બાદથી હિંસા અટકવાનું નામ લેતી નથી. આ વચ્ચે દેખાવને કારણે ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. 17 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. હાલ તેઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. 

તેઓ ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. વિદ્યાર્થીઓને એમ્બેસીના સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ગુજરાત સરકાર પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવને સૂચના આપી છે.

રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ

કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની ઘટનાઓ વધવાના અહેવાલ છે, ત્યારે કિર્ગિસ્તાનમાં વસી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા ગુજરાત સરકાર ભારતના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી છે કે કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્ય સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

કિર્ગિસ્તાનમાં સૌથી વધારે સુરતના વિદ્યાર્થીઓ ફસાયા

કિર્ગિસ્તાનમાં સૌથી વધારે સુરતના વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના 100 જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું.

ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું : મુખ્ય સચિવ

મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, ‘કિર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે. કિર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે.’

કિર્ગિસ્તાનમાં વસતા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન જાહેર

એટલું જ નહીં, કર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર 055710041 અને 055005538 પણ 24×7 કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે. ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે. એટલું જ નહીં, શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોવાથી વિદ્યાર્થીઓને વતન પરત આવવા એરલાઇન્સ ઓપરેશન્સ પણ કાર્યરત છે.

રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં મુખ્ય સચિવ રાજકુમાર અને વહીવટી તંત્ર આ વિદ્યાર્થીઓની સલામતી માટે સંકલન કરી રહ્યું છે.

‘અમને બચાવો, સ્થાનિકો મારી નાખશે..’ કિર્ગિસ્તાનમાં ફસાયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની વેદના

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ કહી ચૂક્યા છે કે ત્યાં 1200 જેટલાં એમબીબીએસ વિદ્યાર્થી અમારા રાજ્યના છે. જોકે તેમણે આ બધા સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. તાજેતરમાં એક મધ્યપ્રદેશના વિદ્યાર્થીએ વીડિયો જાહેર કરીને ભારત સરકારને મદદ કરવા અપીલ કરી હતી. બડવાની જિલ્લાનો રહેવાશી ચેતન માલવીય કિર્ગિસ્તાનમાં એમબીબીએસ કરી રહ્યો છે. ચેતને તેના વીડિયોમાં જણાવી રહ્યો છે કે તે કેવી સ્થિતિમાં ત્યાં રહેવા મજબૂર છે. 18મેની રાતે તો સ્થાનિકો તેના હોસ્ટેલ સુધી પહોંચી ગયા હતા. 

ત્યાં હવે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે સાવકા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં ચેત કહે છે કે, હું અહીં એમબીબીએસનો અભ્યાસ કરવા આવ્યો છું. અહીં ભારત અને પાકિસ્તાન બંને દેશના નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે સાવકા જેવું વર્તન થઈ રહ્યું છે. અમે એકલા પડી ગયા છીએ. હોસ્ટેલથી બહાર નથી જઈ શકતા. અમારે ઘરે પાછા આવવું છે. 

18મે વિશે તે કહે છે કે એ દિવસે રાતના સમયે અમારા હોસ્ટેલના ગેટ વારંવાર ખખડાવાયા હતા. 4-5 વખત આવું થયું. સદભાગ્યે અમે ગેટ ન ખોલ્યાં. બહાર મોટી સંખ્યામાં સ્થાનિકોની ભીડ હતી. ચેતને માલવીય કહે છે કે અમે લોકો અહીંથી નીકળવા માગીએ છીએ. અમે ટિકિટ પણ લઈ લીધી છે. બસ હોસ્ટેલથી નીકળતા ડર લાગે છે. સરકાર અમારા માટે એરપોર્ટ સુધી મૂકી જવાની વ્યવસ્થા કરી આપે. અમારી બસ આટલી જ માગ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *