– ન્યુઝીલેન્ડની અજબગજબ ઘટના
– 1908માં ગાયબ થયેલા પક્ષીને માઓરી સમાજના લોકો પવિત્ર માનતા હોવાથી ઊંચી કિંમત
વેલિંગટન : શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈ પક્ષીનું પીંછુ પણ સોના જેટલું મોંઘુ હોઈ શકે છે? સોશિયલ મીડિયામાં હાલમાં એક ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા છે, એક પક્ષીના રૂપિયા ૨૩ લાખમાં વેચાયેલા પીંછાની. ન્યુઝીલેન્ડમાં હાલમાં તેની હરાજી કરવામાં આવી હતી. એક રિપોર્ટ મુજબ, ૯ ગ્રામ વજન ધરાવતા હુઈયા પક્ષીના પીંછાની કિંમત સોના કરતા વધારે છે. ભારતમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ૬૮,૦૦૦ છે.
આ હિસાબથી પીંછાની કિંમત ૩૦૦ ગ્રામ સોનાની બરાબર થઈ કહેવાય. આ ઊંચી કિંમત પાછળ ન્યુઝીલેન્ડના માઓરી સમાજના લોકોની માન્યતા છે. તેઓ આ પક્ષીને પવિત્ર માને છે.
માઓરી સમાજના પ્રમુખ આ નાનકડા પક્ષીના પીંછાને તેમની ટોપીની જેમ પહેરતા હતા. આ સાથે જ તેને ગિફ્ટમાં પણ આપવામાં આવતું હતું. શરૂઆતમાં આ પીંછાની કિંમત ૩,૦૦૦ ડોલર રાખવામાં આવી હતી. ત્યારબાદ, તેણે પાછલા તમામ રેકોર્ડ તોડીને કિંમતથી ૪૫૦ ટકા વધારે રકમ મેળવી હતી.
આ પીંછાને ૨૮,૪૧૭ ડોલર એટલે કે, ૨૩ લાખ ૬૬ હજાર જેટલી રકમ મળી હતી. ન્યુઝીલેન્ડના મ્યુઝિયમના જણાવ્યા અનુસાર, હુઈયા પક્ષી છેલ્લી વખત ૧૯૦૭માં જોવા મળ્યું હતું. આ ઓક્શનમાં વેચવામાં આવેલા પીંછાને લગભગ ૧૦૦ વર્ષથી વધારે જૂનું માનવામાં આવી રહ્યું છે.