Image : Freepik
Singapore Gas Leak News | સિંગાપોરમાં ટેન્કની નિયમિત સફાઈ કરતી વખતે ઝેરી ગેસ લીક થઇ જતાં એક ભારતીય નાગરિકે જીવ ગુમાવ્યો. જોકે હજુ સુધી આ ભારતીય નાગરિકની ઓળખ જાહેર કરવામાં આવી નથી. અહેવાલો મુજબ આ ઘટનામાં કુલ 3 લોકો લપેટાઈ ગયા હતા. જેમની વય 24થી 40 વર્ષની વચ્ચે હતી. આ ઘટના જલકલ એજન્સીના ચોઆ ચૂ કાંગ લેબોરેટરીમાં બની હતી. ત્રણેય લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
અન્ય બે મલેશિયન નાગરિકોની હાલત ગંભીર
અહેવાલ અનુસાર બેભાન અવસ્થામાં જ ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ભારતીય નાગરિકના મોતની પુષ્ટી થઈ હતી. પબ્લિક યુટિલિટીઝ બોર્ડે તેના એક નિવેદનમાં કહ્યું કે બે અન્ય કર્મચારીઓ એનજી ટેંગ ફોંગ જનરલ હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે અને તેમની પણ હાલત ગંભીર જણાવાઈ રહી છે.
મૃતક ભારતીયની સારા એવા હોદ્દે હતી પોસ્ટિંગ
હ્યુમન રિસોર્સ મંત્રાલયે તેના એક નિવેદનમાં કહ્યું કે ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓની વય 24 અને 39 વર્ષ છે. તે મલેશિયાના છે અને તે સામાન્ય કર્મચારી તરીકે કામ કરતા હતા. મંત્રાલયના પ્રવક્તાના હવાલાથી એક એજન્સીએ જણાવ્યું કે ભારતીય નાગરિક સુપરસોનિક મેન્ટેનન્સ સર્વિસિઝ દ્વારા નિયુક્ત કરાયો હતો અને તેને પ્લાન્ટની સફાઈ સંચાલનના મેનેજર તરીકે નિમણૂક અપાઈ હતી.