Red Alert Forecast In Gujarat : ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે, જેને લઈને લોકો હેરાન પરેશાન છે. રાજ્યના વધુ પડતાવિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી હતી. જે અનુસાર અમદાવાદમાં બે દિવસ સુધી ગરમી રહેશે. હજુ રાજકોટ, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોમાં 25 મે સુધી તાપમાન 45 ડિગ્રી રહેવાની ચેતવણી જારી કરી છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ કરાયેલા તાપમાનની વાત કરીએ તો આજે (23 મે) અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં 46.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી તાપમાન રહ્યું. જાણો આજે કયા શહેરમાં કેટલું મહત્તમ તાપમાન નોંધાયું.

શહેર/સ્થળમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)અમદાવાદ46.6ગાંધીનગર46સુરેન્દ્રનગર45.9કંડલા45.5ડીસા45.4વડોદરા45અમરેલી44.4રાજકોટ43.8ભુજ42.8ભાવનગર42.2

એક અઠવાડિયા બાદ ગરમી એક ડિગ્રી થઈ શકે છે

બપોરના સમયે ખાસ કરીને 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા વચ્ચે લોકોને ઘરની બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે. એટલા માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ સિવાય અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા દરમિયાન ગરમીથી રાહતની કોઈ સંભાવના વ્યક્ત નથી કરી. પરંતુ એક અઠવાડિયા બાદ ગરમી એક ડિગ્રી સુધી ઓછી થઈ શકે છે.

સતત વધતી જતી ગરમી વચ્ચે 4 લોકોના મોત

વડોદરામાં સતત વધતી જતી ગરમી વચ્ચે 24 કલાકમાં બે યુવાન અને બે વૃદ્ધના મોત થયા છે. જોકે, તેઓના મોત ગરમીના કારણે થયા હોવાનું સ્પષ્ટ નથી. પી.એમ.થયા પછી જ તેઓના મોતનું કારણ જાણી શકાય. પરંતુ, પરિવારજનો ના પાડતા હોવાથી પી.એમ. થતું નથી.

3થી 4 ડિગ્રી વધશે તાપમાન

ભારતના મોટા હિસ્સામાં પ્રચંડ ગરમીનો કહેર યથાવત છે. બાડમેરમાં આ વર્ષનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં યમુના નદીના જળ સ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના કારણે પાણી પુરવઠાને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ત્રણથી ચાર ડિગ્રીના વધારાની આગાહી સાથે સ્થિતિ વધુ વણસે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તમામ વયના લોકોમાં ગરમીથી થતી બીમારીઓ અને હીટસ્ટ્રોકની ખૂબ વધુ શક્યતા વ્યક્ત કરી છે. IMDએ જણાવ્યું કે, ગરમીની રાતની સ્થિતિ આગામી 4 દિવસોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગરમીથી સબંધિત તણાવને વધારી શકે છે. 

રાજ્યમાં શ્રમિકોને બપોરે 1 થી 4 કામથી મુક્તિ અપાશે

રાજ્યમાં ઘણી જગ્યાએ શ્રમિકોને હીટવેવની સ્થિતિમાં કામ કરવું પડે છે. અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો સૂચનાઓનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પોયમેન્ટ એન્ડ એક્ટ હેઠળ બાંધકામ સાઈટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમિકોને ઉનાળાની સિઝનમાં લૂ લાગવાની શક્યતા રહેલી છે તેથી આવી સાઈટો બપોરના સમયે બંધ કરવામાં આવે, કે જેથી શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે. શ્રમિકોને વિવિધ જોખમો સામે રક્ષણ મળી રહે તે માટે આ કાયદા પ્રમાણે બપોરે 1 થી 4 કલાક દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તડકાની સીધી અસર પડે છે ત્યાં બાંધકામ પ્રવૃત્તિ કરાવનારા બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ અને કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોને જૂન મહિના સુધી આ સમયગાળા પુરતો આરામ કે વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવે છે. આદેશમાં જણાવાયું છે કે આ રીતે ફાળવેલા વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો 2003ના નિયમ 50(2) મુજબનો વિશ્રામ સમય ગણવાનો રહેશે. એ ઉપરાંત નિયમ 50(3) પ્રમાણે આ રીતે આપવામાં આવનારા સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં 12 કલાકથી વધે નહીં તેનું ધ્યાન રાખવાનું રહેશે. રાજ્ય સરકારના કાયદા પ્રમાણે આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર જૂથ જવાબદાર ગણાશે અને તેમની સામે પગલાં લેવાશે, જ્યારે જે શ્રમિકને બપોરના સમયે કામ કરવા આગ્રહ કરવામાં આવે તે હેલ્પલાઈન નં. 155372 ઉપર ફરિયાદ નોંધાવી શકે છે.

હીટવેવથી બચવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું સૂચન

પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ કેન્દ્રીય પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલયે ગરમીથી બચવા માટે એડવાઇઝરી પણ જાહેર કરી છે.

હીટવેવથી કેવી રીતે બચવું?

1. પ્રવાહીનું સેવન વધારવું અને હીટ સ્ટ્રોકના લક્ષણોને ધ્યાનમાં રાખવા

2. ભીડવાળી જગ્યાઓ પર અને ખૂબ જ તડકામાં જવાનું ટાળો. 

3. ખોરાકમાં સ્વચ્છતા, પાણી અને છાંયડાનું ધ્યાન રાખો.

4. જો તમે ગરમી-સંબંધિત લક્ષણોનો અનુભવ કરી રહ્યાં હોવ તો તબીબી સંભાળ મેળવો.

શા માટે પડી રહી આટલી ગરમી?

વર્ષ 2023નું હવામાન ખૂબ ગરમ અને શુષ્ક રહ્યું હતું. હવામાનશાસ્ત્રીઓએ તેનું કારણ અલ નીનોની અસર ગણાવ્યું છે. જો કે, આગામી જૂન સુધીમાં અલ નીનો સમાપ્ત થઈ જશે જેના કારણે આ વર્ષે ચોમાસામાં સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિશ્વને અસર કરતો અલ નીનો નબળો પડી રહ્યો છે અને લા નીના મજબૂત થઈ રહી છે. ઓગસ્ટ મહિના સુધીમાં લા નીના સ્થિતિ મજબૂત થઈ જશે જેના કારણે સારા વરસાદની શક્યતા છે. 

ક્યારે મળશે રાહત?

અલ નીનો નબળો પડતા અને લા નીનાની સ્થિતિ મજબૂત થતાં જ લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની આશા છે. લા નીનાની અસરથી આ વખતે ચોમાસામાં સારા વરસાદની શક્યતા છે. એટલે કે, હવે ગરમીથી રાહત ચોમાસાનો વરસાદ જ અપાવશે. આ વખતે ચોમાસું સમય કરતા વહેલું શરૂ થઈ શકે છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *