અમદાવાદ,ગુરુવાર, 23 મે,2024
પંદર દિવસથી વધુના સમયથી અમદાવાદમાં ટી.બી.ના દર્દીઓને
સારવાર માટે આપવામાં આવતી દવાની અછત વર્તાઈ રહી છે. આ કારણથી ટી.બી.ના દર્દીઓને
દવા મેળવવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે.મ્યુનિ.ના આરોગ્ય અધિકારીના કહેવા મુજબ, અગાઉ ટી.બી.ના
દર્દીને એક કે બે મહિનાની દવા આપવામાં આવતી હતી.જે હાલમાં મ્યુનિ.પાસે દવાનો
મર્યાદીત સ્ટોક હોવાથી પંદર દિવસ માટે દર્દીને ડોટ કેન્દ્ર ઉપરથી આપવામાં આવી રહી
છે.
અમદાવાદ સહિત રાજયભરમાં ટી.બી.ના દર્દીઓને સારવાર માટે
આપવામાં આવતી દવાની અછત વર્તાઈ રહી છે.આ પરિસ્થિતિમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ
વર્ષમાં ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહયો છે.ગત વર્ષે જાન્યુઆરીથી
મે મહિના સુધીમાં અમદાવાદમાં ટી.બી.ના ૬૧૪૦ દર્દી નોંધાયા હતા.જે સામે ૩૨૧ દર્દીના
મોત થયા હતા.ગત વર્ષની તુલનામાં આ વર્ષે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં ટી.બી.ના
દર્દીઓની સંખ્યા વધીને ૬૪૯૯ થઈ છે.જે સામે ૨૦૮ લોકોના મોત થયા છે.આ વર્ષે વોર્ડ
વાઈસ ટી.બી.ના નોંધાયેલા દર્દીઓમાં બહેરામપુરામાં ૫૧૯ દર્દી નોંધાયા છે.જયારે
રખિયાલમાં ૪૬૦ દર્દી નોંધાયા છે.ઘાટલોડીયા,
વેજલપુર અને વાસણા જેવા પોશ વિસ્તારમાં સરેરાશ ૧૫૦થી ૨૦૦ જેટલા ટી.બી.ના દર્દી
નોંધાયા છે.મ્યુનિ.ના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીના કહેવા મુજબ, હાલમાં તંત્ર
પાસે દવાનો સ્ટોક મર્યાદીત હોવાથી દર્દીઓને એકવારમાં આપવાની દવા પંદર દિવસે કે એક
મહિને આપવામા આવી રહી છે.આ કારણથી દર્દીઓને દવા મેળવવા ધકકા ખાવા પડી રહયા છે. આ
અંગે અમે રાજય સરકારમાં પણ રજૂઆત કરી છે.