Image: Wikipedia
Delhi University: દિલ્હીમાં લોકસભા ચૂંટણી 2024ની વોટિંગ પહેલા દિલ્હી યુનિવર્સિટીના કોલેજની દિવાલો પર વિવાદિત સૂત્રો લખવામાં આવ્યા છે. દિવાલો પર ચૂંટણી બહિષ્કાર કરવાની વાત કહેવામાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસે બે FIR નોંધી છે. પોલીસે આ વિશે જાણકારી આપી છે.
દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસની દિવાલો પર ઘણા સ્થળે લાલ રંગથી બોયકોટ ઈલેક્શનના સૂત્રો લખવામાં આવ્યા છે. શનિવારે 25 મે એ દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીથી એફિલિએટેડ કોલેજોમાં અજાણ્યા નંબરથી કોલ કરવામાં આવ્યો અને કોલેજને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. માહિતી મળતા જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને આ કોલ નકલી છે તેવી જાણ થઈ. કેમ્પસમાં કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી.
એબીવીપીએ કરી કાર્યવાહીની માગ
ABVP તરફથી કહેવામાં આવ્યું છે કે આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે દિલ્હીના યુવા મતદાતા લોકતંત્રના ઉત્સવમાં ભાગ લેવા ઈચ્છે છે આ માટે ખૂબ ઉત્સાહિત છે તો આ પ્રકારે અલોકતાંત્રિક સૂત્રો લખવામાં આવ્યા. એબીવીપી તેનો આકરો વિરોધ કરીને કાર્યવાહીની માગ કરે છે. આ સમગ્ર રોડ પર લાગેલા સીસીટીવી ફૂટેજને ચેક કરીને કાર્યવાહી કરવી જોઈએ.
દિલ્હી પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટની તપાસ
દિલ્હી ફાયર સર્વિસ અનુસાર બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યા કોલ લેડી શ્રીરામ કોલેજ અને શ્રી વેંકટેશ્વર કોલેજને આવ્યા હતા. કોલેજના એક અધિકારીએ જણાવ્યું, અમને અજાણ્યા નંબરથી એક ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે કોલેજમાં બોમ્બ છે અને ટૂંક સમયમાં બ્લાસ્ટ થશે. તે બાદ ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસને માહિતી આપવામાં આવી. ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ કરી પરંતુ કંઈ મળ્યું નહીં.
તપાસ બાદ દિલ્હી પોલીસે જણાવ્યું કે કોલ નકલી હતો અને ચિંતાની કોઈ વાત નથી. આ પહેલા બુધવારે દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમને પણ બોમ્બની ધમકીનો એક મેઈલ આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમ નોર્થ બ્લોક ગૃહ મંત્રાલયના કાર્યાલયને કવર કરે છે.
દિલ્હીની સ્કુલોને પણ બોમ્બની ધમકી મળી ચૂકી છે
ઉલ્લેખનીય છેકે એપ્રિલમાં દિલ્હીની 100થી વધુ પ્રાઈવેટ સ્કુલોને પણ બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. તે દરમિયાન પણ તપાસમાં આ ધમકી નકલી સાબિત થઈ હતી. જે બાદ દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની સરકાર પાસેથી આ મામલે વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો.