જૂનાગઢમાં નરસિંહ મહેતા જયંતીની ઉજવણી : નરસિંહ મહેતા યુનિ. ખાતે શ્રધ્ધા સુમન અર્પણ, નરસિંહ મહેતા ચોરા ખાતે ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, : જૂનાગઢમાં આજે નરસિંહ મહેતાજીની 616મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારે દામોદર કુંડ સાથેથી પ્રભાતફેરી યોજાઈ હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં નરસિંહ મહેતા રચીત પ્રભાતીયાની સુરાવલી માર્ગો પર રેલાઈ હતી. આ ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે નરસૈયાને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી. જ્યારે નરસિંહ મહેતા ચોરા ખાતે ભક્તિસંગીત કાર્યક્રમ યોજાયો હતો.

આજે વૈશાખ સુદ પૂનમના ભક્ત કવિ નરસિંહ મહેતાની 616મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિકાસ વિભાગ દ્વારા આજે સવારે દામોદર કુંડ ખાતેથી પ્રભાતફેરી યોજાઈ હતી. જેમાં નરસિંહ મહેતા રચીત પ્રભાતીયા અને પદ  તેમજ અન્ય રચનાઓનું ગાન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી પ્રભાતફેરીથી નરસિંહ મહેતાના પ્રભાતીયાના સુર માર્ગો પર રેલાયા હતા. બાદમાં આ પ્રભાતફેરી કોલેજ રોડ પર આવેલી શાળા ખાતે પહોંચી હતી. જ્યાં નર્તન કલા કેન્દ્રની બહેનોએ નરસિંહ મહેતા રચીત રચનાઓ પર રાસ-ગરબા રજુ કર્યા હતા. જ્યારે જાણીતા લોકગાયકોએ પ્રભાતીયા તથા ભજન રજુ કરી ઉપસ્થિત લોકોને રસતરબોળ કર્યા હતા. નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા નરસિંહ મહેતાને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે સાંજે નરસિંહ મહેતા ચોરા ખાતે ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાણીતા કલાકારોએ નરસિંહ મહેતા રચીત ભજન, પદ સહિતની રચનાઓનું ગાન કર્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *