ફરીથી જોખમી ધંધો ચાલુ કરવા સ્થાનિક તંત્ર સાથે કરાતી ગોઠવણ : સુદર્શન બ્રિજનાં લોકાર્પણ પછી ફેરી બોટના વેપારને ફટકો, અધૂરામાં પૂરૂ વડોદરા દુર્ઘટના પછી બોટિંગને લઇ નિયમોની અમલવારી કડક કરાતા ફેરી બોટ સર્વિસ બંધ :
ઓખા, : ઓખા- બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન બ્રીજનાં લોકાર્પણ પછી ફેરી બોટ સવસનાં વેપારને ફટકો પડયો હતો. ઉપરથી વડોદરાનાં હરણી દુર્ઘટના કાંડ પછી સરકારે રાજ્યભરનાં જળાશયોમાં બોટીંગ ને લઇ નિયમોની અમલવારી કડક કરવામાં આવતા ઓખા – બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સવસ બંધ થઇ ગઇ છે. જેને પગલે બોટ માલિકો વેપાર પુનઃ ચાલુ થાય એ માટે ધમપછાડા કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા કાંડ પછી હાઇકોર્ટમાં સૂઓમોટો થયેલ હોય રાજ્યભરનાં જળાશયોમાં બોટીંગ ને લઇને વચગાળાની માર્ગદશકા બહાર પાડી તેની અમલવારી માટે ફાયર સહિતનાં વિભાગો સંલગ્ન સમિતિ બનાવી જે-તે બોટની ચકાસણી કરી એનઓસી આપવામાં આવે પછી જ બોટ ચલાવી શકાય એવી સ્થિતિ ઉદભવતા અત્યાર સુધી રામ ભરોસે ચાલતી વ્યવસ્થામાં વિક્ષેપ ઉભો થતા બોટ માલિકો આકુળ વ્યાકુળ થયા છે. ફેરી બોટ સવસ માં મુસાફરોને લાઇફ જેકેટ વગર મુસાફરી કરાવાતી હોવાનાં તથા ઓવરલોડીંગનાં વિડીયો અનેક વખત વાયરલ થઇ ચૂક્યા છે. નાછૂટકે મેરીટાઇમ બોર્ડે પણ બોટનાં લાયસન્સ સસ્પેન્ડ કર્યા હોવાની ઘટનાઓ બની છે.
ઉલ્લેખનીય છે કે ઓખાનાં દરીયામાં ડોલ્ફીન દર્શનનાં નામે અનેક નાની બોટ પ્રતિબંધિત હાર્બર વિસ્તારમાં પણ લટાર મારતી હતી. ઘણી વખત બોટમાં પાણી ભરાવાની ઘટનાઓ બની છે.પરંતુ જાનહાનિ ન થતા ઉહાપોહ ન થવાને પગલે ઘી નાં ઠામમાં ઘી પડી જતું હતુ. ફરીથી જો બોટનાં ફિટનેસ મામલે ઢીલ આપવામાં આવે તો કોઇ મોટી દુર્ઘટના ઘટી શકે એ સંભાવના નકારી શકાય નહીં. જેને પગલે મેરીટાઇમ બોર્ડ દ્વારા સરકારી આદેશની કડક અમલાવારી કરતા આ બાબતને કારણે આથક નુકસાન વેઠતા બોટ માલિકો યેનકેન પ્રકારે સ્થાનિક તંત્ર સાથે ગોઠવણ કરી ફરીથી જોખમી ધંધો ચાલુ કરવા તલપાપડ હોવાનું ચર્ચાય રહ્યું છે.