મોરબી પંથકમાં ધુણતા-ધુણતા ભુવાને હાર્ટ એટેક આવતા દમ તોડી દીધો : હાલાર પંથકમાં આકરા તાપને લીધે હૃદય બંધ પડી જતાં 3 વ્યકિતએ જીવ ગુમાવ્યા, રાજકોટમાં મ્યુ. કોર્પો.ના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી સૂર્ય નારાયણના આકરા તાપને કારણએ ગભરામણ સહિતનાં બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હીટવેવને લીધે હાલારમાં ત્રણ વ્યકિતઓનાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર થયું છે. મોરબીનાં વાઘપરમાં ભુવાને ધુણતા-ધુણતા હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યારે રાજકોટમાં પારેવડી ચોકમાં રહેતા મ્યુ. કોર્પો.નાં કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાહેર થયું હતું.
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા સતિષભાઈ દામજીભાઈ બુસા નામના ૫૪ વર્ષના આધેડ કે જેઓ ગરમીના કારણે એકાએક બેશુદ્ધ બન્યા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબ દ્વારા જાહેર કરાયું હતું. જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ જાદવ નામના ૪૫ વર્ષના યુવાનને ગઈકાલે સવારે દસેક વાગ્યા આસપાસ પોતાના ઘેરથી નીકળીને બાડા ગામે ગયા પછી એકાએક બેભાન બન્યા હતા, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તબિબ દ્વારા તેઓનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું અને કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રફુલસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના ૬૨ વર્ષના ખેડૂત ગઈકાલે બપોરે ગરમીના કારણે બેશુદ્ધ બની ગયા હતા, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાથી મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરાયું હતું.
વાઘપર ગામે મગનભાઈ કલાભાઈ મકવાણાના ઘરે માતાજી અને નરસી ભગવાનના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભૂવા પીથ્ભાઈ મકવાણા રહે વાઘપર વાળા ધૂણતા હતા ત્યારે ધૂણતા ધૂણતા ભુવાજીને હાર્ટ એટેક આવ્યો હતોં ને હૃદયરોગનો હુમલો પ્રાણઘાતક નીવડયો હતો જેથી સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું જે ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.
જ્યારે હાર્ટ એટેકનાં પાંચમો બનાવ રાજકોટમાં બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. અહીંના પારેવડી ચોકમાં મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા અને મ્યુ. કોર્પો.નાં સોલીડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા રમેશભાઇ બાબુભાઇ જાખરિયા (ઉ.વ. 46)ને આજે સવારે છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલમાંખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં તેઓએ દમ તોડી દેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગયો હતો.