સુરત
બિમારીની સારવાર માટે જામીન મુક્ત આરોપી દંપતીએ વધુ 25 દિવસની મુદત માંગી
હતી ઃ આરોપીઓને જેલ કસ્ટડીમાં હાજર થવા કોર્ટનો નિર્દેશ
હત્યા
તથા હત્યાના પ્રયાસના ગુનામાં આઠ વર્ષોથી જેલવાસ ભોગવતા કુખ્યાત અમીન સુકરી તથા
તેની પત્નીએ બિમારીના કારણોસર વચગાળાના જામીનની મુદતમાં 25 દિવસનો વધારો કરવા
કરેલી માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી આરોપીઓને 21મી મેના રોજ સાંજે 4 કલાકે જેલ ઓથોરીટીને શરણે થવા
નિર્દેશ આપ્યો છે.
અઠવાલાઈન્સ
પોલીસમાં વર્ષ-2016માં હત્યા,હત્યાના પ્રયાસ તથા પુરાવાના નાશ કરવાના
ગુનામાં 63 વર્ષીય આરોપી મોહમદ અમીન ઉર્ફે અમીન સુકરી મોહમદ
બરફવાલા(રે. અચ્છીબાઈની ચાલ,ભાગાતળાવ, સીંધીવાડ)
તથા તેની પત્ની શહેનાઝબાનુ મોહમદ અમીન સુકરીની તા.14-3-2016ના
રોજ ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.હાલમાં આઠેક વર્ષોથી જેલવાસ ભોગવતા આરોપી સુકરી
દંપતિને હાર્ટ,બ્લડપ્રેશર,ડાયાબીટીશ
સહિતની એકથી વધુ બિમારીની સારવાર માટે
વચગાળાના જામીન માટે માંગ કરી હતી.જેથી કોર્ટે આરોપી દંપતિને તા.5થી 21મી મે સુધી સાંજે 4 વાગ્યા
સુધી બિમારીની સારવાર માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા.જેની અવધિ પુરી થવા
પર હોઈ સુકરી દંપતિએ વધુ એકવાર વચગાળાના જામીનની મુદતમાં 25
દિવસનો વધારો કરવા માંગ કરી હતી.બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપી દંપતિના પુત્રો
જેલ કસ્ટડીમાં હોઈ આરોપીઓના બિમારીની સારવાર લેવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોઈ
મુદત વધારવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન
સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપીઓ
વિરુધ્ધ હત્યા કેસની ટ્રાયલ દલીલના તબક્કામાં પેન્ડીંગ છે.આરોપી સામે અલગ અલગ આઠ
પ્રકારના ગુના નોંધાયા છે.અગાઉ આરોપીને હાઈકોર્ટે વચગાળાના જામીન મુક્ત કર્યા હતા
ત્યારે પેરોલ જમ્પ કરેલ છે.હાલના આરોપી આ કેસના મુખ્ય આરોપી છે.બંને આરોપીઓને એકથી
વધુવાર બિમારીની સારવાર માટે વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.15 દિવસના
વચગાળાના જામીન દરમિયાન આરોપીઓએ માત્ર બે જ દિવસ સારવાર મેળવી છે.આરોપીઓને સર્જરી
કરવાની કે વધુ સારવાર માટે દાખલ કરવાના હોઈ તેવી હકીકત રેકર્ડ પર આવી નથી.જેને
કોર્ટે માન્ય રાખી આરોપી સુકરી દંપતિની વચગાળાના જામીનની મુદત વધારવા કરેલી માંગને
કોર્ટે નકારી કાઢીને આજે તા.21મી મેના રોજ સાંજે 4 કલાકે જેલસત્તાવાળાને શરણે થવા નિર્દેશ આપ્યો છે.