શહેરાના ગોકળપુરાના પૂર્વ સરપંચનો મૃતદેહ હત્યારાઓના ઘરમાં અંતિમવિધિની જીદ
આરોપીઓના મકાન પર પથ્થરમારાથી નુકસાન : પથ્થરમારામાં બે પોલીસ જવાન ઘવાયા :10ની અટકાયત
પોલીસ દ્વારા હત્યાના ત્રણ આરોપીમાંથી બે ને પકડી પાડયા જ્યારે એકની શોધખોળ હાથ ધરી

શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે ખેતરમાં ગાયો ચરાવવાના મુદ્દે ત્રણ ભરવાડોએ ખેડૂતને લાકડી વડે માર મારતા મોત થયુ હતુ. આ અંગે પોલીસે ત્રણ સામે હત્યાનો ગુનો નોધ્યો હતો. આજે ગ્રામજનોએ આક્રોશમાં આવી હત્યાના આરોપીઓના ગામ ઉંજડા ખાતે ભરવાડ ફળિયામાં મકાનની બહાર પતરાના શેડ અને વાહનને નુકશાન પહોંચાડયુ હતુ. જેથી મામલો તંગ બનતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફ્લો દોડી આવ્યો હતો. શુક્રવારના રોજ મૃતકની લાશને ગામની ચોકડી ખાતે લાવતા સ્વજનોએ આરોપીના ઘરની અંદર અંતિમવિધિ કરવાની માંગ કરતા પોલીસ સાથે ચકમક થઇ હતી. જેથી અંતિમયાત્રામાં જોડાયેલા લોકોએ આવેશમાં આવીને પથ્થર મારો શરૂ કરતાં બે પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના 8 સેલ છોડયા હતા. સ્થળ પરથી અને આજુબાજુથી 10 કરતાં વધુ લોકોની અટકાયત કરાઈ હતી. જ્યારે પોલીસ દ્વારા હત્યાના ત્રણ આરોપીમાંથી બે ને પકડી પાડયા જ્યારે એકની શોધખોળ હાથ ધરી હતી.

  શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે ગુરૂવારના રોજ ખેડૂત દિનેશભાઈ ના ખેતરમાં ઊંજડા ગામના ત્રણ ભરવાડો સાથે ગાયો ચરાવવા જેવી બાબતને લઈને માજી સરપંચના સાસુ શાંતાબેન સાથે ઝઘડો કરવા માંડયા હતા. આ બાબતની જાણ ખેડૂત દિનેશને થતા તેઓ ખેતર દોડી આવીને ગાયો ચરાવતા ચંદુભાઈ વિક્રમભાઈ ભરવાડ, ગોવિંદભાઈ પોપટભાઈ ભરવાડ અન્ય ઈસમોને તમે કેમ મારી સાસુ સાથે ઝઘડો કરો છો તેમ કહેતા આરોપીઓએ દિનેશભાઈ સાથે ઝઘડો કરીને લાકડીનો માર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ લોહી લુહાણ થઈને જમીન પર ઢળી પડયા હતા. આ ઝઘડાને જોતા બીજા બે ખેડૂતો સ્થળ પર દોડી આવતા આરોપીઓએ તેમની સાથે પણ ઝઘડો કરીને એમને પણ માર માર્યો હતો. જોકે આ ત્રણ આરોપીઓના લાકડીના મારથી માજી સરપંચનું મોત થતા તેમના પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. જ્યારે બનેલા બનાવ બાદ હત્યાના આરોપીના ગામ ઊંજડા ગામના ભરવાડ ફળિયામાં આક્રોશમાં આવીને લોકોએ ઘરોના બહાર આવેલા પતરાના શેડને તોડી નાખવા સાથે અમુક વાહનોને નુકશાન પહોંચાડયુ હતુ. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસે અધિક્ષક એન.વી. પટેલ સહિતના અધિકારીઓ વાતાવરણ તંગ બનવાની શક્યતાને પગલે સ્થળ પર આવી પહોંચ્યા હતા. આરોપીના ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસનો મોટો કાફ્લો ખડકી દેવામાં આવ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખેડૂતની લાશનું પીએમ કર્યા બાદ ગોકળપુરા ગામની ચોકડી ખાતે અંતિમવિધિ માટે મૃતદેહ લાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકો દ્વારા આરોપીના ઘરની અંદર અંતિમવિધિ કરવાની માંગ કરતા પોલીસે સમજાવવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે અચાનક પથ્થરમારો થતા સ્થળ ઉપર દોડધામ મચી ગઇ હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના 8 જેટલા સેલ છોડવામાં આવા સાથે બે પોલીસ કર્મીઓ પણ પથ્થર મારાથી ઘાયલ થયા હતા. જોકે બનેલા આ બનાવ બાદ પોલીસ એક્શનમાં આવી જઈને સ્થળ પરથી તેમજ અન્ય વિસ્તારમાંથી 10 કરતા વધુ લોકોને પકડી પાડવા સાથે વાહનો પણ કબજે લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાથી પોલીસે પકડી પાડેલ તેમજ કોમ્બિંગ હાથ ધરીને અન્ય પકડાયેલા લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધે તેવી શક્યતાઓ છે. જ્યારે પોલીસે આ મામલે ઊંજડા ગામના ત્રણ ભરવાડો સામે માજી સરપંચની હત્યા કરવાની લઈને ગુનો નોંધીને મુખ્ય આરોપી ચંદુભાઈ ભરવાડ સહિત અન્ય એકને પકડી પાડવા સાથે ત્રીજા આરોપીને શોધવાની તજવીજ હાથધરી હતી.

પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ

શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે ખેડૂત ની હત્યા થતા તેની લાશ અંતિમવિધિ માટે ગામ ખાતે લાવતા ઉપસ્થિત લોકોએ આરોપીના ઘર ખાતે અંતિમ વિધિ કરવાની માંગ કરતા પોલીસે આ બાબતે સમજાવવાની કોશિશ કરી હતી. જ્યારે અમુક લોકોએ પથ્થર મારો કરતા આઠ જેટલા ટીયર ગેસ પરિસ્થિતિને કાબુ લેવા માટે છોડવામાં આવ્યા હતા. આ બનેલા બનાવવામાં બે પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે 10થી વધુ લોકોની અટકાયત કરીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. 10 કરતા વધુ વાહનોને પણ પોલીસે પકડી પાડયા છે. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે

5 કિમીમાં 5થી વધુ વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધ

શહેરા : ગોકળપુરા તથા તેની આસપાસની 5.00 કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતુ.અને પાંચ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં 5 કે તેથી વધુ વ્યકિતઓને એકસાથે ભેગા થવા ઉપર 17/5 ના સાંજથી તા.18/05/2024 સુધી પ્રતિબંધ લગાવ્યો છે.

મૃતક ખેડૂતની સાંજે ગામમાં અંતિમવિધિ કરાઇ

ગોકળપુરા ચોકડી ખાતે શુક્રવારના રોજ અંતિમ વિધિ કરવાને લઈને થયેલ પથ્થર મારા બાદ ખેડૂતની અંતિમવિધિ પરિવારજનો દ્વારા સાંજના સમયે ગામમાં આવેલા સ્મશાન ખાતે કરી દેવામાં આવી હતી જોકે પોલીસ દ્વારા બનેલા બનાવ બાદ પરિસ્થિતિને કાબુમાં લઈને વધુ કોઈ ઘટના અહીં ન બને એ માટે પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી પ્રણવ વિજય વર્ગીય અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ પણ સ્થળ ખાતે આવ્યા હતા અને સ્થળ પરની પરિસ્થિતિથી તેઓ વાકેફ્ થયા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *